પદ્મશ્રી એવોર્ડ માટે પસંદ થયેલા જૂનાગઢના કલાકાર ’હાજી રમકડું’નું નામ મતદાર યાદીમાંથી કાઢવા અરજી થતા વિવાદ

હું જૂનાગઢના વોર્ડ નં. 8 માં 60 વર્ષથી રહું છું, બે દિવસ અગાઉ મારી પદ્મશ્રી તરીકે પસંદગી થઈ છે, ત્યારે મારામા શું કમી છે કે, મારૂ નામ કમી કરવા અરજી કરવામાં આવી?

જૂનાગઢના ખ્યાતનામ કલાકાર હાજી કાસમ રાઠોડ ઉર્ફે “હાજી રમકડું” ને પદ્મશ્રી એવોર્ડની જાહેરાત થતાની સાથે જ તેમનું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની વાંધા અરજી થતા ખળભળાટ મચ્યો છે. સરકારી સન્માન અને રાજકીય વિવાદોની વચ્ચે ઘેરાયેલી આ ઘટનાએ કલાજગત અને વહીવટી તંત્રમાં અનેક પ્રશ્નો ઊભા કર્યા છે. અને એક દિગ્ગજ કલાકારના નામે થયેલા વિવાદે હવે ઉગ્ર રાજકીય સ્વરૂપ ધારણ કર્યું છે.
સૌરાષ્ટ્રના ગૌરવ સમાન જૂનાગઢના વરિષ્ઠ કલાકાર હાજી કાસમ રાઠોડ “હાજી રમકડું” નું નામ મતદાર યાદીમાંથી દૂર કરવાની પેરવી થતા મોટો વિવાદ છેડાયો છે. આશ્ચર્યજનક બાબત એ છે કે, જેમને હજુ બે દિવસ પહેલા જ ભારત સરકાર દ્વારા ’પદ્મશ્રી’ એવોર્ડથી સન્માનિત કરવાની જાહેરાત કરાઈ છે, તેમના જ નામ સામે ભાજપના કોર્પોરેટર દ્વારા વાંધા અરજી કરવામાં આવી છે. 60 વર્ષથી એક જ વિસ્તારમાં રહેતા હાજીભાઈએ આ ઘટનાથી વ્યથિત થઈને પોતાના નામ કમી અંગે પ્રશ્ન ઉઠાવ્યો છે. કે, હું જૂનાગઢના વોર્ડ નં. 8 માં 60 વર્ષથી રહું છું, મને ગુજરાત સરકારે એવોર્ડ આપ્યો છે અને બે દિવસ અગાઉ મારી પદ્મ શ્રી તરીકે પસંદગી થઈ છે, ત્યારે મારામા શું કમી છે કે, મારા નામની કમી કરવા અરજી કરવામાં આવી છે.
આ મામલે વાંધો ઉઠાવનાર કોર્પોરેટર સંજય મણવરે સ્પષ્ટતા કરી હતી કે, હાજીભાઈ તો આપણા જૂનાગઢનું ગૌરવ છે, અને જૂનાગઢનું જ નહીં પણ હવે તો રાષ્ટ્રનું ગૌરવ બન્યા છે, ત્યારે તેમનો હેતુ કલાકારનું અપમાન કરવાનો નથી, પરંતુ દસ્તાવેજી વિસંગતતા દૂર કરવાનો છે. તેમના જણાવ્યા મુજબ, હાજીભાઈના આધારકાર્ડમાં ’મીર’ અટક છે, જ્યારે મતદાર યાદીમાં ’રાઠોડ’ અટક હોવાથી તે નામ શંકાસ્પદ લાગ્યું હતું. એક જ વ્યક્તિના બે અલગ-અલગ ઓળખકાર્ડના કારણે ભવિષ્યમાં મતાધિકારનો દુરુપયોગ ન થાય તે માટે સાત નંબરનું ફોર્મ ભરીને તકેદારીના ભાગરૂપે આ વાંધો રજૂ કરવામાં આવ્યો છે.
આ ઘટનાને પગલે રાજકીય આક્ષેપબાજી તેજ બની છે, જેમાં કોંગ્રેસે શાસક પક્ષ પર આકરા પ્રહારો કર્યા છે. વિપક્ષી નેતા લલિત પરસાણાના મતે, એક તરફ ભાજપના ધારાસભ્ય પદ્મશ્રી વિજેતાના ઘરે જઈ સન્માન કરે છે, અને બીજી તરફ તેમના જ કોર્પોરેટર તેમને ’સ્થળાંતરિત’ ગણાવી નામ કમી કરવા અરજી કરે છે, જે અત્યંત વિરોધાભાસી છે. હાજી રમકડું જેવા નામાંકિત કલાકારો સાથે જો આવું થતું હોય, તો સામાન્ય નાગરિકોની હાલત શું હશે તેવો સવાલ પણ ઉઠાવવામાં આવ્યો છે.દરમિયાન સમગ્ર વિવાદ અંગે જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવસિયાએ જણાવ્યું હતું કે, જઈંછની કામગીરી હેઠળ જ્યારે કોઈ મતદારના નામ સામે વાંધો ઉઠાવવામાં આવે, ત્યારે વહીવટી તંત્ર દ્વારા તેની સ્ક્રુટીની અને વેરિફિકેશન કરવામાં આવે છે. વાંધો લેનાર વ્યક્તિએ જરૂરી પુરાવા રજૂ કરવાના હોય છે અને ત્યારબાદ જ સુનાવણી યોજી યોગ્ય નિરાકરણ લાવવામાં આવે છે. હાલમાં આ કિસ્સામાં નામની વિસંગતતા દૂર કરવા માટે વેરિફિકેશનની પ્રક્રિયા ગતિમાં છે.

રિલેટેડ ન્યૂઝ