એમએસપી કરતા નીચા ભાવે મગફળીની હરાજી ન કરવી જોઇએ
એમએસપી અંતર્ગત મગફળીના સંગ્રહ, હરરાજી તથા વેચાણ બાબતે ખેડૂતો અને રાષ્ટ્રીય હિતને પ્રાધાન્ય આપી નીતિ અમલમાં મુકવા સૌરાષ્ટ્ર ઓઇલ મીલ એસો. પ્રમુખ કિશોરભાઇ વિરડીયાએ નાફેડના એમડીને લેખીત રજુઆત કરી છે.એમએસપી યોજના અંતર્ગત મગફળીની ખરીદી દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપવાની દિશામાં ચાલુ સીઝનમાં આશરે 17.50 લાખ મેટ્રિક ટન જેવી મગફળીની ખરીદી થકી ખેડૂતોને રૂા.72.63 પ્રતિ કિલોનો ભાવ મળ્યો છે, જે સરકારની ખેડૂત હિતની પ્રતિબદ્ધતાનો સ્પષ્ટ દાખલો છે.
પરંતુ ગત સીઝનમાં થયેલા અનુભવ પરથી સ્પષ્ટ થાય છે કે એમએસપી કરતાં નીચા ભાવે મગફળીની હરરાજી થવાથી ખેડૂતો, સરકાર અને રાષ્ટ્ર-ત્રણેને ગંભીર અને અપૂર્વ નુકસાન થયું છે. એમએસપી રૂા.67.83 પ્રતિ કિલો ભાવે ખરીદ કરાયેલ મગફળી, બારદાન, સંગ્રહ, ભાડુ અને જાળવણી સહિત સરકારને સરેરાશ રુા.80 પ્રતિ કિલો પડી હતી, જ્યારે તે જ મગફળી સરેરાશ રુા.50 પ્રતિ કિલો ભાવે હરરાજી કરવામાં આવી છે જેના પરિણામે પ્રતિ કિલો આશરે રુા.30નું સીધું આર્થિક નુકસાન થયું છે. ખેડૂતોએ એનએએફઇડીને વેચાણ કરેલ બાદ બચેલા માલના બજારભાવ તૂટી પડ્યા અને ખેડૂતો પાયમાલ થયા છે, વિદેશોથી ખરીદી કરતાં વેપારીઓ તેલ તથા સીંગદાણા ભારતીય કૃષિ ઉત્પાદનોનો ગેરલાભ ઉઠાવી સસ્તા ભાવે લઇ ગયા અને આપણા દેશને ખુબ મોટું આર્થિક નુકસાન વેઠવું પડ્યું . એમએસપી કરતાં નીચા ભાવે મગફળીની હરરાજી ન કરવી જોઇએ અને મગફળીની હરરાજી ખેડૂતોની સંપૂર્ણ માલ માર્કેટમાં વેચાણ થઇ ગયા પછી એપ્રિલ મહિનાથી શરુ કરવી યોગ્ય છે. એનએએફઇડી દ્વારા મગફળીની ફરજીયાત ટ્રેસેબિલિટી વ્યવસ્થા અમલમાં મુકવી. હરરાજી પ્રક્રિયામાં સંપૂર્ણ ગુણવત્તા અને ઉપયોગ સંબંધિત માહિતી જાહેર કરવી જેથી એક્સપોર્ટ તથા બિયારણ ક્ષેત્ર સરકારને યોગ્ય અને ઉંચા ભાવ આપી શકે. હવે પછીથી એમએસપી સાથે ભાવાંતર યોજના અમલમાં મુકી, ખેડૂતોના હિતમાં હાજર ભાવની સીધી સુરક્ષા એમએસપી દ્વારા આપવી જોઇએ. ખેડૂતો તથા રાષ્ટ્રીય હિતને કેન્દ્રમાં રાખી એમએસપી કરતાં નીચા ભાવે મગફળીના વેચાણથી દૂર રહેવા બાબતે તાત્કાલીક અને સ્પષ્ટ નીતિગત નિર્ણય લેવામાં આવે તેવી સોમા પ્રમુખ કિશોરભાઇ વિરડીયાએ માગણી ઉઠાવી છે.
