સોમનાથ મહાશિવરાત્રી પર્વની ઉજવણીને લઈ જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

શ્રદ્ધાળુઓને સુવિધાસભર, સુરક્ષિત અને સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને માર્ગદર્શન આપતા કલેક્ટર

પ્રતિવર્ષ યોજાતા સોમનાથ મહાશિવરાત્રી પર્વની ઉજવણીના આયોજનના ભાગરૂપે જિલ્લા કલેક્ટર એન.વી.ઉપાધ્યાયના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી.કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં મહાશિવરાત્રી પર્વ પ્રસંગે દેશભરમાંથી પધારતા શ્રદ્ધાળુઓને સુવિધાસભર, સુરક્ષિત અને સુવ્યવસ્થિત વ્યવસ્થા ઉપલબ્ધ થાય તે માટે માર્ગદર્શિત કરવામાં આવ્યા હતાં.જિલ્લા કલેક્ટરએ વિવિધ વિભાગોના અધિકારીઓને તેમની જવાબદારીઓ સ્પષ્ટ રીતે નિભાવવાની સૂચનાઓ આપી હતી. ખાસ કરીને સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ, સ્વચ્છતા, પીવાના પાણી, આરોગ્ય સેવાઓ, અગ્નિશામક વ્યવસ્થા તેમજ વીજ પુરવઠા જેવી જરૂરી સેવાઓ સમયસર અને અસરકારક રીતે ઉપલબ્ધ રહે તે માટે જરૂરી આયોજન અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ ઉપરાંત, મંદિર પરિસરમાં તથા આસપાસના વિસ્તારોમાં ભીડ નિયંત્રણ, શ્રદ્ધાળુઓ માટે માર્ગદર્શન સૂચક પટ, પાર્કિંગ વ્યવસ્થા તેમજ આપત્તિ વ્યવસ્થાપન અંગે પણ ચર્ચા કરી તમામ સંબંધિત વિભાગોને પરસ્પર સંકલન સાથે કાર્ય કરવાની સૂચના આપવામાં આવી હતી.આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી સ્નેહલ ભાપકર, જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયદીપસિંહ જાડેજા, અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ તથા પ્રવાસન વિભાગના અધિકારીઓ, આરોગ્ય વિભાગ, માર્ગ અને મકાન વિભાગ, નગરપાલિકા, પીજીવીસીએલ વિભાગ તેમજ મંદિર ટ્રસ્ટના પ્રતિનિધિઓ સહિત સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિલેટેડ ન્યૂઝ