ચેકડેમ પર કામ કરાવવાના કોન્ટ્રાક્ટર પર આક્ષેપ, કલેક્ટરને રજૂઆત
ઉના તાલુકાના ઊંટવાળા ગામમાં સુકાવા નહેર પર બની રહેલા ચેક ડેમના કામમાં પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પાસે બાળ મજૂરી કરાવવામાં આવતી હોવાનો આક્ષેપ થયો છે. ગ્રામ પંચાયતના સભ્ય દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવી છે.ગ્રામ પંચાયતના સભ્ય દૂદાભાઈ છેલાણાએ જણાવ્યું કે, ચેક ડેમની બાજુમાં આવેલી તેમની વાડી પાસેથી પસાર થતી વખતે તેમણે શાળાના ગણવેશમાં બાળકોને કામ કરતા જોયા હતા. તેમણે આ સમગ્ર ઘટનાનો વીડિયો પોતાના મોબાઈલમાં કેદ કર્યો હતો. દૂદાભાઈ છેલાણાએ કોન્ટ્રાક્ટર પર વિદ્યાર્થીઓને રૂ. 10ની લાલચ આપી બાળ મજૂરી કરાવવાનો આક્ષેપ કર્યો છે. જોકે, કોન્ટ્રાક્ટરે દાવો કર્યો હતો કે તે બાળકોને બોલાવતો નથી અને વિદ્યાર્થીઓ પોતાની રીતે આવીને કામ કરે છે. કોન્ટ્રાક્ટર અને સભ્ય વચ્ચે આ બાબતે દલીલો પણ થઈ હતી, જેમાં કોન્ટ્રાક્ટરે “મેં તો મસ્તી કરી કે પ્લેટ કાઢી નાખો” તેમ કહ્યું હતું.કોન્ટ્રાક્ટરના માણસોએ પણ બાળકોને ન બોલાવ્યા હોવાનો દાવો કર્યો હતો, પરંતુ વીડિયોમાં સ્પષ્ટપણે બાળકો દેખાઈ રહ્યા છે આવતીકાલે બાળકોની ઓળખ કરી તેમના વાલીઓ સાથે વાતચીત કરીને સમગ્ર મામલે તપાસ હાથ ધરશે. દૂદાભાઈ છેલાણાએ ફરીથી ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોન્ટ્રાક્ટરના માણસો ખોટું બોલી રહ્યા છે અને બાળકો પોતાની રીતે કામ કરવા ગયા નથી. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે વિદ્યાર્થીઓને પૈસાની લાલચ આપી બાળમજૂરી કરાવવામાં આવી રહી છે અને આ માટે જવાબદાર વ્યક્તિઓ સામે કડક કાર્યવાહી થવી જોઈએ. વીડિયોમાં સ્પષ્ટપણે બાળકોને કામ કરતા જોઈ શકાય છે. આ ઘટનાથી વિદ્યાર્થીઓના અભ્યાસ પર થતી અસર અંગે સવાલો ઉઠ્યા છે. ગ્રામ પંચાયતના અન્ય સભ્ય અલ્પેશસિંહ સાંખટે આ મામલે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી જવાબદારો સામે પગલાં ભરવાની માંગ કરી છે
આ બાબતે તપાસ થશે તાલુકા શિક્ષણાધિકારી
આ અંગે શાળાના આચાર્ય બાલુભાઈ વાઘેલાનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતું કે, શાળા બે પાળીમાં ચાલે છે, જેમાં સવારની પાળી 6 થી 8 વાગ્યાની હોય છે. શાળા છૂટ્યા બાદ વિદ્યાર્થીઓ ત્યાં ગયા હોય તો તેમને જાણ નથી, તેમ છતાં તેઓ આ બાબતે તપાસ કરાવશે. તેવુ તાલુકા શિક્ષણાધિકારી હરેશભાઈ વાઢેર એ જણાવ્યું હતું
