ઉનાના ખાપટ ગામે મફત પ્લોટ ફાળવણીમાં ગેરરીતિનો આક્ષેપ

અનુસૂચિત સમાજે પ્લોટ સ્વીકારવાનો બહિષ્કાર કરી તપાસની માંગ કરી

ઉના તાલુકાના ખાપટ ગામમાં ગત 14 ફેબ્રુઆરીના રોજ 195 મફત પ્લોટની ફાળવણી કરવામાં આવી હતી. આ ફાળવણી જિલ્લા કલેક્ટર અને સાંસદની હાજરીમાં થઈ હતી. જોકે, અનુસૂચિત સમાજના લોકોએ આ પ્રક્રિયામાં ગેરરીતિ અને અન્યાય થયાનો આક્ષેપ કર્યો છે. તેમણે ઉના પ્રાંત અધિકારીને આવેદન પત્ર પાઠવી તપાસની માંગ કરી છે અને ફાળવેલા પ્લોટ સ્વીકારવાનો બહિષ્કાર કર્યો છે
આવેદનપત્રમાં જણાવાયું છે કે ગામના જરૂરિયાતમંદ પરિવારો માટે ફાળવવામાં આવેલા પ્લોટ તદ્દન ખાડા વાળી જગ્યામાં અને પાણીના નાળામાં આવેલા છે. આવી જોખમી અને રહેણાંક માટે અયોગ્ય જગ્યાએ મકાન બાંધવું શક્ય નથી. ચોમાસામાં પૂર આવે ત્યારે આ મકાનો પાણીમાં ગરકાવ થઈ જાય તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી છે.વધુમાં, અનુસૂચિત સમાજના લોકો વર્ષોથી જે જગ્યાનો ઉપયોગ દફનવિધિ અને સ્મશાન તરીકે કરે છે, ત્યાં પણ પ્લોટ પાડી દેવામાં આવ્યા છે. આ બાબતે અગાઉ અરજી કરવા છતાં તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવ્યું ન હતું. સમાજની લાગણી દુભાય નહીં તે માટે સ્મશાનની જગ્યા પર પ્લોટ ફાળવવાનું તાત્કાલિક બંધ કરવાની અને ફાળવેલા પ્લોટ રદ કરવાની માંગ કરવામાં આવી છે. આ ઉપરાંત, સમાજની વાડી અને સામાજિક કાર્યો માટે માંગવામાં આવેલી જગ્યા પર કોઈ પગલાં લેવાયા નથી. ગામના અનેક સાચા જરૂરિયાતમંદ અનુસૂચિત સમાજના પરિવારોને પ્લોટની યાદીમાંથી જાણી જોઈને સમાજના પરિવારોને પ્લોટની યાદીમાંથી જાણી જોઈને બાકાત રાખવામાં આવ્યા હોવાનો પણ આક્ષેપ છે. તાત્કાલિક પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગણી પણ કરવામાં આવી છે. અનુસૂચિત સમાજે જણાવ્યું છે કે જ્યાં સુધી આ પ્લોટ ફાળવણીની સમગ્ર પ્રક્રિયાની તટસ્થ તપાસ નહીં થાય ત્યાં સુધી તેઓ ફાળવેલા પ્લોટનો બહિષ્કાર કરશે. જો તેમની રજૂઆત સ્વીકારવામાં નહીં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. ગ્રામપંચાયતમાં ચૂંટાયેલા અનુસૂચિત સમાજના સદસ્યોએ પણ રાજીનામાની ચીમકી આપી છે.

રિલેટેડ ન્યૂઝ