ઉનામાં ધૂળેટીની રાત્રે પથ્થરમારાના બનાવમાં બે આરોપી ઝડપાયા

પોલીસે જાહેરમાં સરઘસ કાઢી કાર્યવાહી કરી

ઉના શહેરમાં ધૂળેટીની રાત્રે થયેલા પથ્થરમારાના કેસ માં પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે. પોલીસે આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢી, ઘટનાસ્થળે ઊઠબેસ કરાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ઘટના ગોંદરા ચોક વિસ્તારમાં બની હતી.ધૂળેટીની રાત્રિએ કેટલાક અસામાજિક તત્વોએ નશાની હાલતમાં ગોંદરા ચોક વિસ્તારમાં આતંક મચાવ્યો હતો. તેમણે રસ્તા પરથી પસાર થતા વાહનો પર પથ્થરમારો કર્યો હતો, જેમાં કારના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા અને બાઈકચાલકોને પણ નિશાન બનાવવામાં આવ્યા હતા. નજીકની દુકાનો પર પણ પથ્થર ફેંકવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં ઉના પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી હતી. પોલીસે પથ્થરમારાની આ ઘટનામાં સંડોવાયેલા વિક્રમ રામસિંગ સોલંકી અને મુકેશ રામસિંગ સોલંકી નામના બે આરોપીને ઝડપી પાડ્યા હતા. આજે પોલીસે બંને આરોપીને શહેરના ટાવર ચોકથી ગોંદરા ચોક સુધી દોરડા બાંધી જાહેરમાં સરઘસ કાઢ્યું હતું. જે વિસ્તારમાં પથ્થરમારો થયો હતો, ત્યાં તેમને જાહેરમાં ઊઠબેસ પણ કરાવવામાં આવી હતી.આ પથ્થરમારાની ઘટનાને કારણે વેપારીઓ અને વાહનચાલકોમાં ભયનો માહોલ જોવા મળતો હતો. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટનામાં અન્ય કોઈ શખ્સોની સંડોવણી બહાર આવશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે.

રિલેટેડ ન્યૂઝ