સજાના કેન્દ્ર તરીકે જાણીતા વડિયાના કર્મચારીઓના પ્રશ્ર્નો જાણી નિવારણ જરૂરી
અમરેલી જિલ્લા ના છેવાડાના તાલુકા મથક એવા વડિયામાં આવેલી મામલતદાર ઓફિસનો વહીવટ ઘણા સમયથી ઇન્ચાર્જમાં ચાલે છે. ઇન્ચાર્જમાં વહીવટ ચલાવનાર નાયબ મામલતદાર કેજરભાઈ સિંધી પોતાની આવડત અને સ્વચ્છ છબીને કારણે ઘણા સમયથી ઇન્ચાર્જમાં તંત્ર ચાલતું હતુ. હાલ આ ઇન્ચાર્જ મામલતદારની બદલી રાજકોટ જિલ્લામાં થતા ટૂંકા ગાળામાં તે રાજકોટ જિલ્લા માં જતા અહીં નવ નાયબ મામલતદારના મહેકમ સામે ફક્ત ત્રણ +ઇન્ચાર્જ મામલતદાર કુલ ચાર નાયબ મામલતદારથી ગાડુ ચાલી રહ્યું છે. ત્યારે આવનાર સમયમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણીઓ અને વસ્તી ગણતરી જેવી મોટી કામગીરી આવતી હોવાના કારણે કાયમી મામલતદારની નિમણુંક જરૂરી બને છે. એથી પણ મહત્વની વાત એ છે કે અમરેલી જિલ્લામાં વડિયાને સજાના કેન્દ્ર તરીકે ઓળખવામાં આવે છે ત્યારે અહીં કોઈ અધિકારી આવવા તૈયાર ના હોય તેમ વડિયામાં છેલ્લા બે ત્રણ વર્ષમાં બે કાયમી મામલતદાર ની નિમણૂકનો હુકમ કરવામાં આવ્યો પરંતુ રાજકીય આશીર્વાદથી કોઈ અધિકારી અહીં આવવા તૈયારના હોય તેમ આજ દિવસ સુધી કોઈ કાયમી મામલતદાર આ બંને માંથી હાજર થયેલા નથી. તો વડિયાને કાયમી મામલતદાર મળે અને વડિયામાં મકાનોની અછતથી કોઈ કર્મચારી અહીં આવવા તૈયાર ના હોવાથી અહીં સરકારી ક્વાટર્સ બનાવવામાં આવે તો ચોક્કસ વડિયાને સજાના કેન્દ્રમાંથી બહાર કાઢી શકાય. હવે જોવાનું એ રહ્યું કે વડિયામાં કાયમી મામલતદારની પોસ્ટિંગ જે અધિકારીની થઇ છે તે હાજર થાય છે કે રાજકીય આશીર્વાદ થી તંત્ર ચાર્જમાં જ ચાલશે અને ખૂટતા કર્મચારીઓની ઘટ થી લોકોના કામ ટલ્લે ચડતા જોવા મળશે તે તો આવનારો સમય જ બતાવશે પરંતુ હાલ વડિયામાં મામલતદાર ની નિમણૂક બાબતે મહત્વના પ્રશ્નો ચર્ચાઈ રહ્યા છે કે વડિયામાં મામલતદાર અને પોલીસનું તંત્ર ઘણા સમયથી ઇન્ચાર્જ શા માટે ચાલે છે ?? શા માટે કોઈ કાયમી અધિકારીની નિમણુંક થતી નથી ? થાય છે તો કોના આશીર્વાદ થી તે અહીં હાજર થતા નથી ? શું વડિયાને કાયમી ઇન્ચાર્જ માં અધિકારી વિહોણું રાખવાનો કોઈ રાજકીય કારશો તો ઘડવામાં આવ્યો નથી ને ? આવા પ્રશ્નો ના જવાબ વણઉકેલ્યા છે ત્યારે કાયમી અધિકારીઓમાં કોઈ સક્ષમ અધિકારીઓની નિમણૂક કરવી જરૂરી હોય તેવુ લોકમુખે ચર્ચાતું જોવા મળી રહ્યું છે.
