હળાહળ કળયુગ: બે લાખમાં નવજાત શિશુઓના વેચાણના મોટા રેકેટનો પર્દાફાશ

ટોળકી સરહદી ગામોમાંથી મજબુર-ગરીબ પરિવારોના બાળકોને લાવી અમદાવાદમાં વેચી મારતી હતી: હિંમતનગરની પોલીસે પાંચ શખ્સોને ઝડપ્યા

સાબરકાંઠાના હિંમતનગર એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટે બાળકોની તસ્કરી કરતી પાંચ સભ્યોની ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકી સરહદી ગામોમાંથી નવજાત શિશુઓ લાવી અમદાવાદમાં રૂ.2 લાખમાં વેચતી હતી. મુખ્ય એજન્ટ પ્રમોદ રાજવંશી ગ્રાહકો શોધતો હતો. પોલીસે મેડી ગામના બાળકના વેચાણનો ભેદ ઉકેલી વધુ તપાસ હાથ ધરી છે.
ગુજરાતના સરહદી વિસ્તારોમાંથી નવજાત બાળકોની તસ્કરી કરીને મોટા શહેરોમાં વેચાણ કરવાનું એક વ્યવસ્થિત નેટવર્ક કાર્યરત હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. હિંમતનગરની એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે બાતમીના આધારે ઓપરેશન પાર પાડીને પાંચ શખ્શોની ટોળકીને ઝડપી પાડી છે. આ ટોળકી અંતરિયાળ અને ગરીબ વિસ્તારોમાંથી નવજાત બાળકો મેળવી અમદાવાદ જેવા મહાનગરોમાં ઊંચી કિંમતે વેચતી હતી.
તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે, સરહદી વિસ્તારના મેડી ગામના એક નવજાત બાળકને આશરે પંદરેક દિવસ પહેલા અમદાવાદમાં રૂ. 2 લાખમાં વેચવામાં આવ્યું હતું. આ ગુનાહિત પ્રવૃત્તિની ગંધ આવતા જ પોલીસે ખેડબ્રહ્માના મટોડા નજીક વોચ ગોઠવી હતી. પોલીસની સતર્કતાને કારણે ટોળકીનો એક સભ્ય ઝડપાઈ ગયો હતો, જેની પૂછપરછમાં રેકેટ બહાર આવ્યું છે. પકડાયેલા શખ્શોએ કબૂલાત કરી છે કે તેઓએ અગાઉ પણ બે થી ત્રણ બાળકોનું વેચાણ કર્યું છે.
આ સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર અમદાવાદના મોટેરા વિસ્તારની ઈન્દ્રનગર સોસાયટીમાં રહેતો પ્રમોદ રાજારામ રાજવંશી હોવાનું સામે આવ્યું છે. પ્રમોદ મુખ્ય એજન્ટ તરીકે ભૂમિકા ભજવતો હતો.
તેનું કામ અમદાવાદ શહેરમાં એવા પરિવારોને શોધવાનું હતું જેમને બાળકની જરૂર હોય. ગ્રાહક મળી ગયા બાદ તે બાળકની કિંમત નક્કી કરતો હતો. બીજી તરફ, માલજી નામનો શખ્સ રાજસ્થાનના અન્ય બે સાગરીતો સાથે મળીને અંતરિયાળ વિસ્તારોમાં નવજાત બાળકોની શોધ કરતો હતો.
મજબૂર પરિવારો
આ ટોળકીની મોડસ ઓપરેન્ડી અત્યંત ઘાતકી હતી. તેઓ એવા પરિવારો પર નજર રાખતા હતા જ્યાં બાળકોની સંખ્યા વધુ હોય અને મહિલા ગર્ભવતી હોય. બાળકનો જન્મ થતા જ આ ટોળકી સક્રિય થઈ જતી અને મજબૂર પરિવારોને શિકાર બનાવી બાળક મેળવી લેતી હતી. હાલમાં પોલીસે તમામ પાંચેય આરોપીઓની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે તેની ઊંડી તપાસ શરૂ કરી છે.

રિલેટેડ ન્યૂઝ