રાજકોટમાં વાદળીયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા વરસ્યા: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે તા.8 એપ્રિલ સુધી રાજ્યમાં માવઠાની આગાહી: તાપમાનનો પારો ગગડતા લોકોને ગરમીમાંથી રાહત મળી
રાજયમાં ભરઉનાળે ત્રીજી વખત મુસીબતનું માવઠું વરસ્યું છે. શુક્રવારે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં વાદળીયા વાતાવરણ વચ્ચે તોફાની એક ઇંચ સુધીનો કમોસમી વરસાદ વરસ્યો હતો. વેરાવળમાં 20 મીનીટમાં ગાજવીજ સાથે એક ઇંચ વરસાદ વરસતા રસ્તા પરથી પાણી વહેતા થયા હતા. જયારે રાજકોટમાં હળવા ઝાપટા વરસ્યા હતા. આગામી તા.8 સુધી રાજયમાં માવઠાની આગાહી હવામાન વિભાગે કરી છે. આમ ચૈત્ર માસમાં અષાઢી માહોલ જોવા મળ્યો છે.
રાજયના હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે રાજયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર આગામી દિવસોમાં પણ જોવા મળશે. 7 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ફરી સૌરાષ્ટ્ર-કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં શુક્રવારે સવારથી વાદળીયા વાતાવરણ વચ્ચે હળવા ઝાપટા વરસતા શહેરના રાજમાર્ગો ભીના થયા હતા. આખો દિવસ આકાશમાં વાદળો છવાતા શહેરમાં ધુપછાંવ જોવા મળ્યું હતું.
જામનગર
જામનગર શહેર તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી હવામાનમાં અચાનક પલટો જોવા મળી રહ્યો છે. જામનગર સાથે લાલપુર પંથકમાં સતત બીજા દિવસે પણ કમોસમી છાંટા પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી.
અચાનક બદલાયેલા હવામાનના કારણે આકાશમાં વાદળછાયું વાતાવરણ છવાઈ ગયું હતું અને અનેક વિસ્તારોમાં હળવા થી મધ્યમ વરસાદી છાંટા નોંધાયા હતા. પવનના ઝોકા સાથે થયેલા આ કમોસમી વરસાદને કારણે ગરમીમાં થોડી રાહત અનુભવાઈ હતી, પરંતુ બીજી તરફ ખેતી કરતા ખેડૂતોમાં ચિંતાનો માહોલ પણ જોવા મળ્યો હતો.
ખાસ કરીને ઘઉં, જીરું અને અન્ય પાકો માટે આ સમય દરમિયાન પડતા છાંટા નુકસાનકારક સાબિત થઈ શકે તેવી ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારોમાં કેટલાક સ્થળોએ પાકને નુકસાન થવાની શક્યતા પણ દર્શાવવામાં આવી રહી છે.
વેરાવળ
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે હવામાનમાં અચાનક પલટો આવતાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને ગીર સોમનાથ જિલ્લાના વેરાવળમાં વહેલી સવારે વીજળીના કડાકા-ભડાકા અને તોફાની પવન સાથે તૂટી પડેલા વરસાદે લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા હતા. ગીર સોમનાથમાં 20 મિનિટમાં જળબંબાકાર થયો હતો. અંદાજે 1 ઇંચ જેટલો વરસાદ વરસ્યાનું ચોપડે નોંધાયું છે.
પ્રભાસ પાટણ
સોમનાથ પ્રભાસપાટણ અને વેરાવળ તાલુકા ના ગ્રામ્ય વિસ્તારોમાં વહેલી સવારે 6 કલાક ના અરસામાં ગાજ વીજ સાથે વરસાદ વરસેલ હતો વિજળી ના કડાકા એટલા ભયંકર સતા કે લોકો ઉંધ માંથી બેઠા થય ગયે વખતે અને આ તોફાની વરસાદ થી ભયભીત થયેલ અમુક વિસ્તારોમાં કરા પડ્યા હતા આ કમોસમી વરસાદને કારણે આંબા સહિતના બાગાયતી પાકો અને અન્ય ઉનાળુ વાવેતરને નુકસાન થયું છે.
જામખંભાળીયા
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વાતાવરણ પલટાયું હતું અને વાદળોની જમાવટ વચ્ચે દ્વારકા-ઓખા વિસ્તારમાં આજે દિવસ દરમિયાન 7 મી.મી. વરસાદ વરસી ગયો હતો.આમ, દ્વારકામાં ગઈકાલે બપોરથી આજે સવાર સુધીમાં દોઢ ઈંચ (36 મી.મી.) પાણી પડી ગયું હતું. જેના પગલે માર્ગ ઉપર પાણી ચાલી નીકળ્યા હતા. જ્યારે કલ્યાણપુર તાલુકામાં આજે સવારે મેઘરાજાએ સટાસટીબોલાવી હતી અને જુદા જુદા વિસ્તારોમાં 26 મી.મી. પાણી વરસાવી દીધું હતું. આ સાથે ગઈકાલે પણ અવિરત રીતે અડધો ઈંચ (12 મી.મી.) સહિત આજે સવાર સુધીમાં કલ્યાણપુર તાલુકામાં દોઢ ઈંચ (38 મી.મી.) કમોસમી વરસાદ નોંધાઈ ચૂક્યો છે. ખંભાળિયા તાલુકામાં પણ માવઠાનું જોર રહ્યું હતું. જેમાં સવારે 16 મી.મી. વરસાદ વરસી જવા પામ્યો છે. વરસાદના પગલે રસ્તાઓ પાણીથી તરબતર બન્યા હતા. જ્યારે ભાણવડ તાલુકામાં માત્ર હળવા છાંટા વચ્ચે 2 મી.મી. વરસાદ નોંધાયો છે.
સલાયા તથા આજુબાજુના વિસ્તારોમાં કમોસમી વરસાદ ખાબક્યો,ખેડૂતોને નુકશાનની ભીતિ
આજે વહેલી સવારથી જ આકાશમાં કાળા ડીબાંગ વાદળો છવાયેલ હતા.અને ઠંડો પવન પણ ફુંકાઈ રહ્યો હતો. સવારે 8.30 વાગ્યાના આસપાસ ધીમી ધારે વરસાદ ચાલુ થયો હતો જે થોડી વારમાં ફૂલ જોશથી વરસવા લાગ્યો હતો.ચૈત્ર મહિનામાં અષાઢી માહોલ જેવો કમોસમી વરસાદ વરસ્યો હતો.જોતજોતામાં રોડ રસ્તો અને ખેતરોમાં પાણી ફરી વળ્યા હતા. આ કમોસમી વરસાદથી ખેડૂતોને ભારે નુકશાન જવાની ભીતિ સેવાઈ રહી છે.હાલ વરસાદ બંધ થયો પણ થોડી વારમાં વાતાવરણમાં પણ ઠંડક પ્રસરી હતી.
ભાવનગર
ભાવનગર શહેરમાં આજે ભર ઉનાળે વાતાવરણમાં ઓચિંતા પલટો આવતા કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો. શહેરમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું, જે દરમિયાન સાંજે 4:30 કલાકે અચાનક ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. આશરે 20 મિનિટ સુધી વરસેલા વરસાદને કારણે શહેરના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળ્યા હતા અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. ભર ઉનાળે અષાઢી માહોલ સર્જાતા નગરજનોમાં પણ આશ્ચર્ય જોવા મળ્યું હતું.
પોરબંદર
પોરબંદરના વાતાવરણમાં પલટો આવ્યો છે અને ગઈકાલે સાંજે બંદર વિસ્તારમાં ભારે પવન ફૂંકાયો હતો અને મીની વાવાઝોડા જેવા દ્રશ્યો જોવા મળ્યા હતા લોકોમાં નાશભાગ મચી હતી. પવનના કારણે ચારે તરફ ધૂળની ડમરીઓ ઉડતી જોવા મળી હતી.
ભારતના આકાશમાં દેખાયા 1000 કિ.મી. લાંબા કાળા ઘટ્ટ વાદળોનો પટ્ટો
ભારતીય હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી સેટેલાઇટ તસવીરોએ ચિંતામાં વધારો કર્યો છે. ઉત્તર ભારત અને પાકિસ્તાન પર લગભગ 1000 કિલોમીટર લાંબો અને અત્યંત ઘટ્ટ વાદળોનો પટ્ટો દેખાઈ રહ્યો છે. સક્રિય થયેલા શક્તિશાળી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે આગામી 48 થી 72 કલાકમાં ઉત્તર-પશ્ર્ચિમ ભારતના અનેક રાજ્યોમાં ભારે વરસાદ, ગાજવીજ અને કરા પડવાની શક્યતા છે. હવામાન વિભાગના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ વિશાળ ક્લાઉડ ફોર્મેશન જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને રાજસ્થાનના ભાગો સુધી ફેલાયેલું છે. આ મલ્ટી-લેયર્ડ વાદળોનો જથ્થો પૂર્વ દિશા તરફ આગળ વધી રહ્યો છે, જે સૂચવે છે કે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવશે.
