વિજય માકડીયા એમસીએકસ અને તીનપતીમાં કરોડો રૂપિયા હાર્યો
શહેરના અનેક શ્રીમંત લોકોના કરોડો રૂપિયા ઓળવી જનાર અમીત ભાણવાડીયાના કૌભાંડ મામલે ક્રાઈમ બ્રાન્ચની ટીમ હવે ટોપ ગીયરમાં આવી છે અને કૌભાંડમાં સરખા ભાગીદાર અજય માકડિયા નામના શખ્સની ધરપકડ કરી છે. જ્યારે મુખ્ય સૂત્રધાર વિજય માકડિયા હજું પોલીસ પકડથી દૂર રહેતાં તેની શોધખોળ હાથ ધરાઈ છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ ગુનાના મહત્વપૂર્ણ સીએનો રિપોર્ટ પણ આવી જતાં જ સૌથી મોટા આર્થીક કૌભાંડમાં દુધનું દૂધ અને પાણીનું પાણી થવા પામ્યું છે અને આ ગુનામાં હજું નવા આરોપીઓની સંડોવણી ખુલતાં તેમની પણ ધરપકડ કરવાં તજવીજ હાથ ધરાઈ છે. ઉપરાંત અમિતની ક્રાઈમ બ્રાન્ચની ટીમને 9 મિલકતો હાથમાં આવી છે. જે પ્રોપર્ટી ટાંચમાં લેવા ગૃહ વિભાગને રીપોર્ટ કરવામાં આવશે.
સમગ્ર કૌભાંડમાં નજર નાખીએ તો ક્રાઈમ બ્રાન્ચ પોલીસ મથકમાં વડાલીયા પરિવારના દર્શનભાઇ રસિકભાઇ વડાલીયાએ નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ ર019 માં વિજય માકડીયા અને અમિત ભાણવડીયાએ ક્રશર પેઢીમાં રોકાણ કરવાનું જણાવી વાત કરેલ કે અમે બંને દર્શન મીનરલ પેઢી જયેશ સ્ટોન ક્રશર પેઢી, દર્શિત સ્ટોન ક્રશર પેઢી નામે ભાગીદારીમાં કપચીનો વેપાર ધંધો કરીએ છીએ તેમાં તમે પૈસાનું રોકાણ કરો તો તમને વાર્ષિક 12 ટકાના વળતર આપવાની વાત કરી ફરીયાદી અને તેના પરિવારના પેઢીમાં રોકેલ રૂ.6.90 કરોડ અને તેનું વળતર મળી રૂા. 10.99 કરોડ પરત ન કરી છેતરપીંડી આચરતા ફરીયાદ નોંધાવી હતી. ગુનાની ગંભીરતા જોઈ ડિસીપી (ક્રાઇમ) જગદીશ બાંગરવા, એસીપી (ક્રાઇમ) ભરત બસીયા દ્વારા આરોપીઓને પકડી તટસ્થ તપાસ કરી ભોગ બનનારને ન્યાય મળે તેમ તપાસ કરવાની આપેલ સૂચનાથી ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ સી.એચ.જાદવના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ આદરી હતી. મુખ્ય આરોપી અમીત રમેશ ભાણવડીયાને ગુનો દાખલ થતાં જ તુરંત દબોચી લઈ પાંચ દિવસના રિમાન્ડ બાદ વધું બે દિવસના ફડધર રિમાન્ડ પણ મેળવ્યા હતા.
વધુમાં પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, આરોપી અમિતે કબુલાત આપી હતી કે, તેને શહેરમાંથી તેમજ અન્ય વિસ્તારમાંથી લગભગ 500 કરોડથી વધુની રકમ મેળવી છેતરપિંડી આચરેલ છે. તેમજ તે અને વિજય મંકડીયા તમામ રૂપિયા એમસીએક્સ અને તીનપતીના જુગારમાં હારી ગયેલ ઉપરાંત રિયલ એસ્ટેટના ધંધામાં પણ બ્લોક થતા તેમના પૈસા ગુમાવેલ છે. જેથી તેઓએ જે લોકો પાસેથી રૂપિયા લીધેલ હતા તેઓને વળતર અને મૂડી પરત કરવા માટે અન્ય લોકો પાસેથી રૂપિયા લેતા જતા હતા અને સામે પ્રોપર્ટીના રૂપિયા બ્લોક થઈ જતા રૂપિયાની તંગી આવી હોવાની પણ કબુલાત આપી હતી.
