ખેડૂત હિતને ધ્યાને રાખી ભારત સરકાર દ્વારા એગ્રીસ્ટેક હેઠળ ફાર્મર રજીસ્ટ્રીની કામગીરી ગ્રામ લેવલે ઝુંબેશ સ્વરૂપે કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યના પીએમ કિસાન યોજનાના તમામ લાભાર્થીઓએ આ યોજનાનો લાભ ચાલુ રાખવા ફાર્મર રજીસ્ટ્રી હેઠળ સત્વરે નોંધણી કરાવી લેવી તેમજ નવા અરજદારોએ પીએમ કિસાન પોર્ટલ પર અરજી કરતા પહેલા ફાર્મર આઈડી મેળવવું જરૂરી છે. આ ઉપરાંત તમામ ખાતેદાર ખેડૂત તારીખ 10/5/2026 સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લેવા અનુરોધ કરવામાં આવે છે.
પીએમ કિસાન યોજનાના હપ્તા ચાલુ રાખવા અથવા તો જો બંધ થયેલ હોય તો શરૂ કરવા માટે ખેડૂત નોંધણી અવશ્ય કરાવી લેવી. કારણ કે, આગામી સમયમાં ફક્ત ખેડૂત નોંધણી કરાવેલા જ ખેડૂતોને સબસીડી યુક્ત રાસાયણિક ખાતરનો લાભ મળે તથા અન્ય એટલે કે ખેડૂત સિવાયના લોકો રાસાયણિક ખાતર ન ખરીદી શકે તે માટેનું આયોજન છે. તો સત્વરે આવા ખેડૂતો પોતાની નોંધણી કરાવી લે. આ સાથે સરકારી યોજનાઓ જેવી કે ટેકાના ભાવે ખરીદી, પાક નુકસાની સહાય, આઇ ખેડૂત પોર્ટલ અંતર્ગત યોજનાના લાભ જેવી બાબતો પણ ખેડૂત નોંધણી સાથે જોડવાનું આયોજન વિચારણા હેઠળ છે. જેથી સમગ્ર બાબતને ધ્યાને લઈને જિલ્લાના તમામ ખેડૂતો પોતાના હિત માટે ખેડૂત નોંધણી અવશ્ય કરાવે તેવી જિલ્લા વહીવટી તંત્ર વતી અપીલ કરવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લાના હાલના 27,689 ખેડૂતો કે જેઓ પીએમ કિસાન યોજનાના લાભ મેળવે છે. પરંતુ ખેડૂત નોંધણી કરાવેલ નથી. તો આવા તમામ ખેડૂતોને જિલ્લામાં તાત્કાલિક તેમના તલાટી મંત્રી, ગ્રામ સેવક, ગ્રામ પંચાયત ખાતે સંપર્ક કરી ખેડૂત નોંધણી કરાવી લેવી તથા વધુ માહિતી માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, તલાટી કમ મંત્રી, ટઈઊનો સંપર્ક કરવા એક અખબારી યાદીમાં જણાવાયું છે.
