ચાર યુગના ચાર અલગ અલગ ગણપતિજી, 27 નક્ષત્ર અને 9 ગ્રહનું વિધિવત સ્થાપન
શહેરના હરણકુઈ વિસ્તારમાં આવેલા પાંડવકાલીન અને સુપ્રસિદ્ધ નવહથા હનુમાનજી મંદિરે શનિ જયંતિના પાવન પર્વે ઐતિહાસિક ધાર્મિક પ્રસંગ યોજાયો હતો. મંદિર ખાતે એક સાથે 42 મૂર્તિઓની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવતા આ અનોખી સિદ્ધિની નોંધ ગોલ્ડન વર્લ્ડ બુક ઓફ રેકોર્ડ દ્વારા લેવામાં આવી હતી.
આ પ્રસંગે ગોલ્ડન બુક ઓફ વર્લ્ડ રેકોર્ડના નેશનલ હેડ આલોક કુમારે સ્થળ પર હાજર રહી સત્તાવાર રીતે રેકોર્ડ જાહેર કર્યો અને મંદિર ટ્રસ્ટને પ્રમાણપત્ર અર્પણ કર્યું હતું.
મંદિરના મહંત નિર્મળાનંદ સરસ્વતિજીએ જણાવ્યું હતું કે નવગ્રહ શાંતિ મંદિર તરીકે વિકસાવવામાં આવી રહેલું આ ધામ બોટાદ જિલ્લામાં આધ્યાત્મિક અને ધાર્મિક આકર્ષણનું મહત્વપૂર્ણ કેન્દ્ર બનશે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન ચાર યુગોના ચાર અલગ-અલગ ગણપતિજી, 27 નક્ષત્રો અને 9 ગ્રહોની મૂર્તિઓની વિધિવત સ્થાપના કરવામાં આવી હતી.
નવહથા હનુમાનજી મંદિરને લઈને અનેક લોકવાયકા પણ પ્રચલિત છે. માન્યતા મુજબ આ સ્થળ પાંડવકાલીન છે અને અહીં નાનાજી પેશવા, સ્વામી વિવેકાનંદ તેમજ ગુજરાતી સાહિત્યકાર ઝવેરચંદ મેઘાણી જેવા મહાનુભાવોએ વિવિધ પ્રસંગોએ આશ્રય લીધો હતો. ઉપરાંત ઉતાવળી, મધુ અને મહી નદીઓનો સંગમ પણ આ પવિત્ર સ્થળે થાય છે.
લોકકથાઓ અનુસાર આ સ્થળે હનુમાનજી મહારાજ અને શનિ મહારાજ વચ્ચે યુદ્ધ થયું હતું. આથી અહીં શનિદેવની વિશેષ પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને શનિ મહારાજની મૂર્તિઓ પણ સ્થાપિત કરવામાં આવી છે.
આ ભવ્ય ધાર્મિક પ્રસંગે આત્માનંદ સરસ્વતિજી, સ્વામિનારાયણ ગુરુકુળ બોટાદના માધવ સ્વામી, દિપચંડી આશ્રમના મહાસુખાનંદ મહંતશ્રી, શનિદેવ મંદિરના મહંત જમનાદાસ બાપુ સહિત અનેક સંતો-મહંતો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે સમગ્ર મંદિર પરિસર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું અને બોટાદ જિલ્લામાં એક નવા ધાર્મિક આકર્ષણ કેન્દ્રનો ઉમેરો થયો હોવાનું માનવામાં આવી રહ્યું છે.
