વડાપ્રધાને પબ્લિક ટ્રાન્સપોર્ટની અપીલ કરી ત્યારે પોરબંદરના ધારાસભ્ય એવા કેબિનેટ મંત્રી તો વર્ષોથી કરે છે રેલયાત્રા: ગાંધીનગર અને અમદાવાદ જવા માટે વિરોધ પક્ષના નેતા હતા ત્યારે પણ જતા હતા ટ્રેનમાં
પોરબંદરના ધારાસભ્ય એવા કેબિનેટ મંત્રી ત્રણ દાયકાથી રેલ્વેનો ઉપયોગ કરે છે,તેઓ વિરોધ પક્ષના નેતા હતા,ત્યારે પણ ટ્રેનમાં જતા હતા અને કોંગ્રેસના ધારાસભ્ય હતા ત્યારે પણ ટ્રેનમાં જ મુસાફરી કરીને પોરબંદર થી ગાંધીનગર જતા હતા,ત્યારે તેમણે પોતાના ત્રણ દાયકાના રેલ્વે સાથેના સ્મરણો વાગોળ્યા હતા.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પબ્લિક ટ્રાન્સપોર્ટના ઉપયોગ માટે કરવામાં આવેલી અપીલને પોરબંદરના ધારાસભ્ય અને રાજ્યના કેબિનેટ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ હૃદયસ્પર્શી ગણાવી છે. સોશિયલ મીડિયા પર પોતાના સંસ્મરણો વાગોળતા તેમણે જણાવ્યું કે ભારતીય રેલ્વે તેમના માટે માત્ર પરિવહનનું સાધન નહીં, પરંતુ સંઘર્ષ, સંસ્કાર અને સ્મૃતિઓની સહયાત્રી બની રહી છે.
વિદ્યાર્થીકાળથી રેલ્વે સાથે નાતો
મોઢવાડિયાએ લખ્યું છે કે,”વિદ્યાર્થી જીવન દરમિયાન પોરબંદરથી મોરબી સુધીની નિયમિત ટ્રેન મુસાફરીએ મને જીવનના અનેક પાઠ શીખવ્યા સમયનું મહત્વ, લોકો સાથેનું જોડાણ અને સંઘર્ષમાં આગળ વધવાની પ્રેરણા આપી.”
કારકિર્દી અને જાહેર જીવનની સાક્ષી
તેમણે વધુમાં ઉમેર્યું કે,જી.એમ.બી.માં જુનિયર એન્જિનિયર તરીકેની કારકિર્દી દરમિયાન અને જાહેર જીવનમાં આવ્યા બાદ પણ રેલ્વે તેમની દૈનિક સફરની સાક્ષી બની રહી હતી. “આ પાટાઓ પર મે અનેક સપનાઓને જન્મ લેતા જોયા છે, જવાબદારીઓનો ભાર હળવો કર્યો છે અને સામાન્ય લોકોના જીવનની ધબકારાને ખૂબ નજીકથી અનુભવ્યા છે.”
સામાન્ય માણસ સાથેનો જીવંત સેતુ
કેબિનેટ મંત્રીએ જણાવ્યું કે ભારતીય રેલ્વે સાથેનો આ ત્રણ દાયકાનો સંબંધ આજે પણ તેમને સામાન્ય માણસના દુ:ખ, સપનાઓ અને લાગણીઓ સાથે એટલો જ જીવંત રીતે જોડીને રાખે છે.
વડાપ્રધાનની અપીલને સમર્થન
મોઢવાડિયાએ જણાવ્યું કે,એક વ્યક્તિ અને તેના વ્યક્તિત્વના વિકાસમાં પબ્લિક ટ્રાન્સપોર્ટ મહત્વપૂર્ણ માધ્યમ બની શકે છે, તેનો તેઓ ખુદ લાભાર્થી રહ્યા છે.વડાપ્રધાનની અપીલને સમર્થન આપતા તેમણે લોકોને પણ પબ્લિક ટ્રાન્સપોર્ટ અપનાવવા આહ્વાન કર્યું છે.
