રૂા. 20 હજારનો દંડ પણ ફટકાર્યો : દિકરાના મોત અંગે પિતાએ પોલીસને જાણ કરી હતી
રાજકોટમાં રહેતી હુસેના નામની યુવતીના નિકાહ સાવરકુંડલાના સલીમ સાથે થયા હતા. દામ્પત્યજીવન દરમિયાન તેમના ઘરે 2 સંતાનોનો જન્મ થયો હતો. બીજા સંતાનના જન્મ બાદ હુસેનાના સ્વભાવમાં અચાનક પરિવર્તન આવ્યું હતું. તે વારંવાર પતિ અને સાસરિયાઓ સાથે ઝઘડો કરતી અને પિયર રહેવા જતી રહેતી હતી.
એક દિવસ આવો જ ઝઘડો કરીને તે પિયર જતી રહી. આ વખતે તે પાછી આવવા નહોતી માગતી. તેણે પતિને ચોખ્ખી ના પાડી દીધી. જેના પછી તેનો પતિ સલીમ રાજકોટમાં હુસેનાના ઘરની બાજુમાં રહેવા જતો રહ્યો હતો.
હુસેના પોતાના માસૂમ બાળકોને મારઝૂડ઼ કરતી એ સલીમથી જોવાતું નહોતું એટલે તે 6 મહિના બાદ રાજકોટ છોડીને મોટા દીકરા રેહાનને પોતાની સાથે લઇ ફરી પાછો વતન સાવરકુંડલા આવી ગયો હતો. આ તરફ હુસેના ઝાકીર નામના એક યુવાન સાથે પ્રેમમાં પડી હતી અને સુરેન્દ્રનગરના વઢવાણ રહેવા જતી રહી હતી.
એક દિવસ સલીમ પર તેના સાળાનો ફોન આવ્યો કે સૌથી નાના દીકરા આર્યનનું મોત થઇ ગયું છે. આના પછી સલીમ રાજકોટ પહોંચ્યો હતો. જ્યાં તેને આર્યનના મોત અંગે શંકા જતાં પોલીસને જાણ કરી હતી. પોલીસ તપાસમાં ખૂલ્યું કે આર્યનની હત્યા બીજા કોઇએ નહીં પણ તેની જ સગી માતા હુસેનાએ કરી હતી.
હવે પોલીસે એ શોધવાનું હતું કે હુસેનાએ આર્યનની હત્યા શા માટે કરી હતી? કેવા સંજોગોમાં કરી હતી? સલીમે નોંધાવેલી ફરિયાદના આધારે પીએસઆઈ એમ.બી.વીરજાએ તપાસ માટે એક ટીમ બનાવી. તેમણે ટીમને સૂચના આપી કે તમે બાળકની માતા હુસેનાની તમામ ગતિવિધિઓ પર નજર રાખો. આ આદેશ બાદ ટીમે પોતાનું કામ શરૂ કરી દીધું.
પોલીસે હુસેના અને ઝાકીર વઢવાણમાં જે ઓરડીમાં રહેતા હતા તેની આસપાસના લોકોને બોલાવીને પૂછપરછ કરી. જેમાં જાણવા મળ્યું કે હુસેનાની ઓરડીમાંથી અવાર નવાર બાળકનો રડવાનો અવાજ આવતો હતો.પાડોશીઓએ આપેલા આ નિવેદન બાદ પોલીસની શંકા હવે વધારે દ્રઢ થવા લાગી એટલે હુસેનાની ધરપકડ કરી હતી.
ધરપકડ બાદ પોલીસે તેના પ્રેમી ઝાકીર વિશે પણ પૂછપરછ કરી. પોલીસે હુસેના પાસે ઝાકીરનું એડ્રેસ માંગ્યું. શરૂઆતમાં તો હુસેનાએ નનૈયો જ ભણ્યો કે મને કંઇ જ ખબર નથી, ઝાકીર તો મારા કોન્ટેક્ટમાં પણ નથી પરંતુ જ્યારે પોલીસે આકરી પૂછપરછ કરી તો હુસેના ફફડી ગઇ. તેણે તરત જ પ્રેમી ઝાકીરનું એડ્રેસ આપી દીધું. મળેલા એડ્રેસના આધારે પોલીસે ઝાકીરની શોધખોળ શરૂ કરી અને ઝડપી લીધો.
ગત તા. 8 માર્ચ,2023 ઝાકીર અને હુસેના કંઇક વાતચીત કરી રહ્યાં હતા તેમાંથી બન્ને વચ્ચે આર્યન અંગે ભયંકર ઝઘડો થયો. આ ઝઘડાએ હદ તો ત્યારે વટાવી જ્યારે ઝાકીરે ગુસ્સામાં કહ્યું- હુસેના, હવે બહુ થઇ ગયું. મારાથી હવે તારું આ બાળક સહન નથી થતું.
આના પછી હુસેના અને ઝાકીરે નક્કી કરી લીધું કે આપણે ગમે તેમ કરીને આર્યનનો કાંટો કાઢી નાખવો છે. એકબીજા પ્રત્યેનો પ્રેમ અને સલીમના બાળક પ્રત્યેની નફરતમાં ઝાકીર અને હુસેના એ ભૂલી ગયા કે તેમણે જેને મારી નાખવાનો પ્લાન બનાવ્યો છે.
પોલીસે હુસેનાને પૂછ્યું કે આર્યનને શેનાથી માર માર્યો હતો ત્યારે હુસેનાએ તરત જ એ લાલ હાથાવાળી પ્લાસ્ટિકની સાંવરણી કાઢીને બતાવીને કહ્યું- સાહેબ, આ એ જ સાંવરણી છે. જ્યારે ઝાકીરે બ્લૂ કલરની ખિલ્લીવાળી લાકડાની પટ્ટી કાઢીને બતાવી. આના પછી પોલીસે તમામ પુરાવા કબજે કર્યા હતા.
આર્યનના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં પણ તેની સાથે જે ક્રૂરતા થઇ હતી તેનો ઉલ્લેખ હતો. રિપોર્ટ પ્રમાણે આર્યનના આખા શરીર પર કુલ 13 જેટલી ઇજાઓ થઇ હતી. મોટા ભાગની ઇજાઓ ચકામા સ્વરૂપે હતી. કેટલીક ઇજાઓ તો એટલી ગંભીર હતી કે છેક હાડકાંઓ સુધી પહોંચી હતી.
સૌથી ચોંકાવનારી બાબત એ પણ હતી કે તેના મોટા મગજની આખી ડાબી બાજુની સપાટી પર લાલ રંગનું સબડ્યુરલ હેમરેજ જોવા મળ્યું હતું. મગજ ઉપર પણ સોજો જોવા મળ્યો હતો.રિમાન્ડ પૂર્ણ થયા બાદ પોલીસે બન્નેને કોર્ટમાં રજૂ કર્યાં હતા બાદમાં બન્ને પર કેસ ચાલ્યો હતો.
પોલીસની મજબૂત તપાસ દરમિયાન એકઠા થયેલા પુરાવાએ હોસ ઉડાડી દીધો. પોલીસે રજૂ કરેલા પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે આર્યનની હત્યા બદલ હુસેના અને ઝાકીરને દોષિત જાહેર કર્યા. બન્નેને આજીવન કેદની સજા ફટકારી અને 20 હજાર રૂપિયાનો દંડ ભરવાનો આદેશ પણ આપ્યો હતો.
