અન્ય એક યુવક ગંભીર
ધ્રાંગધ્રા તાલુકાના રાયગઢ-રાવળીયાવદર રોડ પર ટ્રેક્ટર અને બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે અન્ય એક યુવકને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પ્રાથમિક માહિતી અનુસાર, રાવળીયાવદર ગામના હરદેવભાઈ ડુંગરભાઈ અઘારા અને તેમના મિત્ર અંકિતભાઈ રાજેશભાઈ રાઠોડ બાઇક પર રાયગઢ ગામ તરફ જઈ રહ્યા હતા. તે સમયે જી.જે. 13 એ.બી. 3486 નંબરના ટ્રેક્ટરના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી બાઇક સાથે અથડાવ્યું હતું.અકસ્માત એટલો ભયાવહ હતો કે બાઇક પર સવાર બંને યુવકોને ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેમાં હરદેવભાઈ ડુંગરભાઈ અઘારાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો.
જ્યારે ઇજાગ્રસ્ત અંકિતભાઈ રાઠોડને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવ અંગે મૃતકના ભાઈએ ટ્રેક્ટર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
