બગસરામાં મધરાત્રે બાળક પર દીપડાના હુમલાથી ચકચાર

હુડકો વિસ્તારમાં નાસભાગ મચી: બાળકને સારવાર માટે અમરેલી ખસેડાયો

બગસરામાં હુડકો વિસ્તારમાં મોડી રાતના એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે. જ્યાં પરિવાર સાથે ઘર આંગણે સુતેલા દસ વર્ષના માસુમ બાળક પર દીપડાએ ઘાતક હુમલો કર્યો હતો. દિપડાએ આ બાળકને માથાથી પોતાના જડબામાં પકડી લીધા બાદ પરિવાર દ્વારા રાડા રાડી અને ચીસા ચીસો કરીને ગુંજી ઉઠ્યો હતો. પરિવારની રાડા રાડી સાંભળી આસપાસના વિસ્તારમાં લોકો તત્કાલ દોડી આવ્યા હતા અને મોટી જાનહાની ટળી હતી. પરંતુ આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભયનો માહોલ પ્રસરી ગયો છે.
બગસરાના હુડકો વિસ્તારમાં રહેતા વિકુભાઇ વાઘેલાનો દસ વર્ષનો માસુમ પુત્ર કુમાર મોડી રાત્રે આશરે એક વાગે પોતાના પરિવાર સાથે પોતાના ઘરના આંગણમાં સૂતેલો હતો. આ શાંત વાતાવરણને જોઈને દિપડો પોતાના શિકારની શોધમાં તેના ઘર આંગણામાં આવી ચડ્યો હતો. ખાટલા પર સૂતેલા આ 10 વર્ષના માસુમ બાળકને માથાથી પોતાના જડબામાં દબોચી લીધો હતો. દીપડાના અચાનક હુમલા થી આ માસુમ બાળક ગભરાઈને ચીસો પાડવા લાગ્યો હતો. પોતાના બાળકની ચીસો સાંભળી તેના પિતા વિકુભાઇ પણ ચીસો પાડવા લાગ્યા હતા. તેમની ચીસો સાંભળી આસપાસના રહેતા લોકો તત્કાલ ત્યાં આવીને હિંમત જુટાવીને રાડા રાડી કરવા લાગ્યા હતા અને બૂમો પાડવા લાગ્યા હતા. તે સાંભળીને ગભરાઈ ગયેલો દીપડો આ બાળકને લોહી લોહાણ હાલતમાં ત્યાં જ છોડીને નાસી છૂટ્યો હતો. ત્યારબાદ આ બાળકને પ્રથમ બગસરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો ત્યારબાદ વધુ સારવાર અર્થે અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે.
જ્યારે આ ઘટનાની જાણ વન વિભાગને થતા વન વિભાગ તત્કાલ ત્યાં દોડી આવેલું હતું અને હુડકો વિસ્તાર તેમજ આસપાસના વિસ્તારોમાં દીપડાના પગ માર્ક ના પુરાવા એકત્રિત કરવા લાગ્યા હતા. અહીં રહેતા રહીશોના જીવન પર ખતરો મંડાઇ રહેલો હોવાથી વહેલામાં વહેલી તકે આ દીપડાને પાંજરે પુરવા તજવીજ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ