કાકાને પણ છેડતીના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપતા મામલો પોલીસમાં પહોંચ્યો
કોટડાસાંગાણી તાલુકાના નાનાવડીયા ગામે કૌટુંબિક ભત્રીજા દ્વારા મહિલાની છેડતી કરી, ગાળો ભાંડી તેમજ પરિવાર પાસે રૂૂ. 30,000 ની ખંડણી માંગવામાં આવી હોવાની ઘટના પ્રકાશમાં આવી છે. આ અંગે ભોગ બનનાર મહિલાએ કોટડાસાંગાણી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મળતી વિગત મુજબ, નાનાવડીયા ગામે રહેતા અને મજૂરી કામ કરતા 40 વર્ષીય વર્ષાબેન ભરતભાઈ સાગઠીયાએ પોતાના જ ભત્રીજા મહેશ દિનેશભાઈ સાગઠીયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ગત સોમવાર, 22 જૂનના રોજ સવારે આશરે 11:00 વાગ્યાની આસપાસ જ્યારે વર્ષાબેન પોતાના ઘરની ચોકડીમાં ન્હાતા હતા, ત્યારે બાજુમાં જ રહેતો આરોપી મહેશ દીવાલ પર ચડીને ચોરીછૂપીથી જોતો હતો. મહિલાએ આ બાબતે તેને ઠપકો આપતા આરોપી ઉશ્ર્કેરાઈ ગયો હતો અને બેફામ ગાળો ભાંડવા લાગ્યો હતો. આ ઘટના અંગે જ્યારે વર્ષાબેને તેમના પતિને જાણ કરી, ત્યારે તેમના પતિએ મહેશને સમજાવવાનો પ્રયત્ન કર્યો હતો અને કહ્યું હતું કે ‘તે તારા કાકી થાય’. પરંતુ આરોપી મહેશે કોઈ પણ ડર વગર કાકાને પણ બિભત્સ ગાળો આપી હતી. એટલું જ નહીં, આરોપીએ ધમકી આપતા જણાવ્યું કે, જો તમે મને રૂૂ. 30,000 નહીં આપો તો હું મારી પત્ની પાસે તમારા પર છેડતીનો ખોટો કેસ કરાવી દઈશ. આરોપી અવારનવાર ઘર પર ઈંટોના ઘા કરતો હોવાનો અને દીકરીઓ ન્હાતી હોય ત્યારે અગાશી પરથી જોતો હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. આ ત્રાસથી કંટાળીને મહિલા પોતાના પરિવાર અને કૌટુંબિક સભ્યો સાથે પોલીસ મથકે દોડી ગઈ હતી. કોટડાસાંગાણી પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદના આધારે આરોપી મહેશ સાગઠીયા સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂૂ કરી છે.
