જળ પ્રદુષણ કે ઓક્સિજનની અછત કારણ? : ઉચ્ચ સ્તરીય તપાસની માંગ
કચ્છ સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે મહિનાથી જળાશયોમાં મોટા પાવે માછલીઓના સામૂહિક મોતની ઘટનાઓ ચિંતાનો વિષય બની છે.
કચ્છના નખત્રાણા તાલુકાના રામસર સાઈટ વિસ્તારથી લઈને અમદાવાદ, વડોદરા, અરવલ્લી, મોરબી, અને પોરબંદર સુધી જળાશયોમાં લાખો માછલીઓ મૃત હાલતમાં મળી આવતાં પર્યાવરણવિદો અને સ્થાનિકોમાં ભારે ચિંતા વ્યાપી છે. નિષ્ણાતોના મતે આ ઘટનાઓ માત્ર સ્થાનિક સમસ્યા નહીં પરંતુ રાજ્યવ્યાપી પર્યાવરણીય સંકટ તરફ ઈશારો કરે છે.
કચ્છના નખત્રાણા તાલુકામાં આવેલા આંતરરાષ્ટ્રીય મહત્વના રામસર સાઈટ છારી હત્ય વિસ્તારમાં લાખો માછલીઓ પાણીની સપાટી પર મૃત હાલતમાં તરતી જોવા મળી હતી. ઘટનાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગ હરકતમાં આવ્યું હતું અને સફાઈ સાથે તપાસની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઉપરાંત ભુજ તાલુકાના જાંબુડી તળાવમાં પણ મોટી સંખ્યામાં માછલીઓના મોત નોંધાયા છે.
કચ્છ સિવાય વડોદરાના ગૌત્રી (રામસાગર), સમા, દંતેશ્વર અને ખોડીયાર નગર તળાવો, અમદાવાદના વસ્ત્રાલ તળાવ અને અગાઉ સાબરમતી નદી, અરવલ્લીના મેઘરજ તાલુકાના દામોદરકુંડા તળાવ તેમજ પોરબંદરના છાયા રણ વિસ્તાર, મોરબીમાં પણ હજારો માછલીઓના રહસ્યમય મોતની ઘટનાઓ સામે આવી છે.
એક જ સમયગાળામાં રાજ્યના વિવિધ વિસ્તારોમાં સમાન પ્રકારની ઘટનાઓ બનતાં પર્યાવરણ અંગે ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
પર્યાવરણવિદોના જણાવ્યા મુજબ ઉનાળાના અંતિમ તબક્કામાં પાણીમાં ઓગળેલા ઓક્સિજનનું પ્રમાણ ઘટી જતાં માછલીઓ ગૂંગળાઈ જવાની શક્યતા રહે છે.
ઉપરાંત ટ્રીટમેન્ટ વગરનું ગટરનું પાણી, ઔદ્યોગિક કેમિકલયુક્ત પ્રવાહી, શેવાળનો અસામાન્ય વિકાસ અને પ્રથમ વરસાદ સાથે જંતુનાશકો સહિતના પ્રદૂષકો જળાશયોમાં ભળતાં પણ આવી સ્થિતિ સર્જાઈ શકે છે.. રામસર સાઈટ જેવા પર્યાવરણીય
રીતે અતિસંવેદનશીલ વિસ્તારમાં પણ જો જળચર સૃષ્ટિ સુરક્ષિત ન રહે, તો વન વિભાગ અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડની કામગીરી સામે અનેક સવાલો ઊભા થાય છે. સ્થાનિક નાગરિકો અને પર્યાવરણપ્રેમીઓ રાજ્ય સરકાર સમક્ષ ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરી સમગ્ર મામલાની વૈજ્ઞાનિક તપાસ કરાવવાની તેમજ જવાબદાર તત્વો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે. પર્યાવરણ નિષ્ણાતોનું માનવું છે કે જો જળાશયોમાં ગટર અને ઔદ્યોગિક પ્રદૂષણ રોકવા માટે અસરકારક પગલાં નહીં લેવાય તો આવનારા સમયમાં જળચર સૃષ્ટિ સાથે માનવજીવન માટે પણ ગંભીર પરિસ્થિતિ સજર્જાઈ શકે છે. લાખો માછલીઓના મોત માત્ર એક ઘટના નથી, પરંતુ ગુજરાતના જળસંસાધનોને બચાવવા માટે સમયસર પગલાં લેવાની ચેતવણી સમાન છે.
