અમરેલીમાં સિંહના બદલાયેલા વર્તન અંગે સંવાદ કાર્યક્રમ યોજાયો; સમાજ અને સિંહ વચ્ચેનું સાયુજય જાળવવા પગલા ભરવા જરૂરી: પર્યાવરણવિદો

સિંહના જીવનને પડતી માનવીય ખલેલ રોકવી જોઇએ

અમરેલી જિલ્લામાં માનવીઓ ઉપર સિંહ દ્વારા થતા હુમલોઓ અંગે અમરેલી ખાતે તા. 29 ના રોજ પર્યાવરણ ચિંતન બેઠકનું આયોજન ગુર્જરી પર્યાવરણ ટ્રસ્ટના નેજા હેઠળ કરવામાં આવ્યું. જેમાં વિશેષ કરીને તાજેતરમાં બનેલી માનવ અને સિંહ વચ્ચેની ઘર્ષણ ઘટનાઓને ધ્યાનમાં લઈને ’સિંહના બદલાયેલા વર્તન’ વિષય પર સંવાદ કરવામાં આવ્યો.
આ બેઠકના પ્રારંભમાં સિંહ દ્વારા કરાયેલા હુમલામાં મૃત્યુ પામનાર સૌ મૃતાત્માઓ માટે બે મિનિટનું મૌન પાળીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. પર્યાવરણવિદ્ તખુભાઈ સાંડસુરે જણાવ્યું હતું કે, માનવ જિંદગીઓ મૂલ્યવાન છે. કૃષિ અને અન્ય ગૃહ ઉદ્યોગોને અસર કરનાર સિંહોના માનવ હુમલાના ઘટનાક્રમને નજર અંદાજ કરી શકાય નહીં. તેથી વન વિભાગ અને સમાજના વિવિધ અગ્રણીઓને સાથે રાખીને સિંહના વર્તન માટે અભ્યાસ થવો જોઈએ. આ બેઠક આ પ્રકારની સાયુજ્યપુર્ણ સંવેદનાને જોડવા કડીરૂપ બનવા માંગે છે.
જીવશાસ્ત્રી બીપીનભાઈ જોશીએ સિંહના વર્તનમાં આવેલા બદલાવ માટે શરીરમાંથી ક્રોધથી કોર્ટીઝો તત્વ ઝરવાના કારણને જવાબદાર ગણાવ્યું હતું. સિંહ વિશેષજ્ઞ મંગળુભાઈ ખુમાણે પૃથ્વીના તાપમાનમાં થઈ રહેલો સતત વધારો આવા હુમલા માટે કારણભૂત હોવાનું તારણ વ્યક્ત કર્યું હતું.
સિંહ દોસ્ત હસમુખભાઈ પટેલ જેનું બાળપણ સિંહ સાથે વિત્યું છે. તેમણે અનુભવ શેર કરતાં કહ્યું કે સિંહના જીવનને કોઈને કોઈ રીતે માનવીય ખલેલ પહોંચી રહી છે, તેને અટકાવવી જોઈએ. રમેશભાઈ ચૌહાણ કે જેઓ માનવ અને સિંહ વચ્ચેના સંબંધો પર સંશોધન કરી રહ્યા છે. તેમણે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. સિંહના અસ્તિત્વ માટે સમાજની સ્વીકૃતિને જરૂરી ગણવામાં આવી આ બેઠકમાં પર્યાવરણ પ્રેમીઓ વર્ષાબેન જોશી, ડો.ભારતીબેન બોરડ, જીલુભાઈ વાળા, સંજયભાઈ મકવાણા, દિવ્યાબેન સોજીત્રા, હરેશભાઈ સોડવડિયા સહિતના પર્યાવરણપ્રેમીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

રિલેટેડ ન્યૂઝ