નદીમાં પુર આવતા બાળકોને વાલીઓએ ઉંચકીને સામે કાંઠે પહોંચાડયા: તંત્ર તાકીદે કાર્યવાહી કરે
અખેગઢ અને બાબરીયાધારને અમૂલ્ય સાથે જોડતો નદી પરનો પુલ વર્ષોથી અધૂરો પડ્યો છે. કામચલાઉ ડાયવર્ઝન પણ પૂરમાં તણાઈ ગયું છે. પરિણામે અમૂલ્ય પ્રાથમિક શાળામાં ભણતા 75 જેટલા માસૂમ બાળકોને રોજ જીવના જોખમે નદી પાર કરવી પડે છે.
ગઈકાલે નદીમાં પૂર આવતા સ્થિતિ વિકટ બની હતી. બાળકો પાણીમાં ચાલી શકે તેમ ન હતા. ભયભીત બાળકો રડતા હતા. વાલીઓએ માંડ માંડ, ખભે ઊંચકીને બાળકોને સામે કાંઠે પહોંચાડ્યા. આ દૃશ્ય અત્યંત કરુણ અને શરમજનક છે.
ગ્રામજનોએ છઇ ખાતામાં અવારનવાર લેખિત-મૌખિક રજૂઆતો કરી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી. બાંધકામ વિભાગની ઘોર બેદરકારીના કારણે બાળકોનું શિક્ષણ અને જિંદગી બંને દાવ પર લાગ્યા છે.
અખેગઢ અને બાબરીયાધારના વાલી મંડળ અને ગ્રામજનોની સરકારને સ્પષ્ટ ચીમકી છે: તાત્કાલિક ધોરણે કાયમી પુલનું કામ પૂર્ણ કરવામાં આવે. ત્યાં સુધી 7 દિવસમાં હંગામી ડાયવર્ઝન બનાવી બાળકો માટે સલામત રસ્તો કરવામાં આવે. જો તંત્ર હવે પણ નહીં જાગે તો ઉગ્ર આંદોલનની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી તંત્રની રહેશે. બાળકોના ભવિષ્ય સાથે ચેડાં ચલાવી લેવામાં આવશે નહીં. તંત્ર તાત્કાલિક જાગે અને નક્કર કાર્યવાહી કરે.
