રીપેરીંગ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવા અને ખેતીવાડી વીજ પુરવઠો ઝડપથી પૂર્વવત કરવા સૂચના
તાજેતરમાં અમરેલી, ધારી અને ખાંભા તાલુકામાં થયેલ ભારે વરસાદને પગલે ઊર્જા અને કાયદા રાજ્યમંત્રી કૌશિક વેકરીયાએ વિવિધ અસરગ્રસ્ત ગ્રામ્ય પંથકોની રૂબરૂ મુલાકાત લીધી હતી. અને રાજ્યમંત્રીએ ખેતીવાડી વિસ્તાર, પૂરગ્રસ્ત વિસ્તારોમાં જઈને પરિસ્થિતિનું જાતે જ નિરીક્ષણ કર્યું હતું. અને સ્થિતિની સર્વગ્રાહી સમીક્ષા કરી હતી.
રાજ્યમંત્રી વેકરીયાએ અમરેલી તાલુકાના કેરિયાચાડ, ખડખંભાળિયા, શંભુપરા, સોનારિયા, લાપાળિયા, નાના ગોખરવાળા, ચાંદગઢ, મોટા ગોખરવાળા તેમજ ધારી તાલુકાના ગરમલી, કથીવદર અને ચરખા ઉપરાંત ખાંભાના કંટાળા સહિતના ગામોની પ્રત્યક્ષ મુલાકાત કરીને ગ્રામજનો પાસેથી પણ વિગતે માહિતી મેળવી હતી.
વિવિધ ગ્રામ્ય પંથકોની મુલાકાત દરમિયાન રાજ્ય મંત્રીએ વરસાદના કારણે સર્જાયેલી પરિસ્થિતિ, સ્થાનિક નદી-નાળાની સ્થિતિ અને ધોવાણ પામેલા મુખ્ય તથા આંતરિક રસ્તાઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. સ્થાનિક રજૂઆતો અને ભૌગોલિક સ્થિતિને ધ્યાને રાખીને વિવિધ ગામડાઓમાં જ્યાં જરૂરિયાત જણાય ત્યાં અને ગ્રામજનોની રજૂઆતોના પગલે રોડ-રસ્તાની તાત્કાલિક મરામત કરવા, પૂરના પાણીથી બચાવ માટે સુરક્ષા દિવાલ (પ્રોટેક્શન વોલ) બનાવવા તેમજ આવાગમન સુવિધા માટે નવા માઇનર બ્રિજ,સ્લેબડ્રેઇન સહિતના કામો ઝડપભેર કરવા બાબતે ઉપસ્થિત સંબંધિત વિભાગના અધિકારીઓને સ્થળ પર જ જરૂરી સૂચનાઓ આપી હતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ભારે વરસાદના કારણે ખેતીવાડી અને ગ્રામ્ય વિસ્તારોમાં ખોરવાયેલા વીજ માળખા અંગે રાજ્યમંત્રીએ ગંભીરતા દાખવી હતી અને પૂરના કારણે ધરાશાયી થયેલા વીજપોલ અને ક્ષતિગ્રસ્ત બનેલી વીજલાઈનોનું રીસ્ટોરેશન -રીપેરીંગ કામ ઝડપથી પૂર્ણ કરવા પી.જી.વી.સી.એલના તંત્રને સ્થળ પર જ આદેશ સાથે સૂચનાઓ આપી હતી. ખાસ કરીને ખેડૂતોને હાલાકી ન ભોગવવી પડે તે માટે ખેતીવાડી ક્ષેત્રનો વીજ પુરવઠો ત્વરાએ ટૂંકા સમયમાં પૂર્વવત કરવા તાકીદ કરી હતી.
