તા. 15 અને 16 ના ભજન સત્સંગ, વિશાળ રથયાત્રા સહિતના ધાર્મિક આયોજનો
જૂનાગઢ તાલુકાના મજેવડી ગામ ખાતે સ્થિત પૌરાણિક દેવતણખી ધામમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તિભાવ અને આનંદ ઉલ્લાસ સાથે અષાઢી બીજ મહોત્સવ ઉજવાશે, આ પાવન અવસરે તા. 15 અને 16 ના ભજન સત્સંગ, વિશાળ રથયાત્રા અને ભોજન સહિતના ભવ્ય ધાર્મિક આયોજનો કરવામાં આવ્યા છે, આ પ્રસંગે સમગ્ર દેશમાં વસતા લુહાર પંચાલ વિશ્વકર્મા સમાજના લોકો તથા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, ભાવિકો ઉમટી પડશે. તારીખ 15 ને બુધવારના રોજ અષાઢી બીજ મહોત્સવનો પ્રારંભ થશે જેમાં સવારે 6:30 કલાકે પ્રાંત આરતી થશે બાદમા સવારે 7:30 કલાકે રાંદલમાના 51 લોટા તેડવામાં આવશે, બપોરે 11:00 કલાકે રાંદલમાંના લોટાની ગોરણી મહાપ્રસાદ યોજાશે, સાંજે 4:00 થી 7 વિદ્યાર્થી સન્માન સમારોહ તેમજ રાસોત્સવ, સ્ટેજ પ્રોગ્રામ યોજાશે, સાંજે 7:15 એ મહા આરતી યોજાશે અને રાત્રિના 8:00 વાગે મહાપ્રસાદ બાદ રાત્રે 9:30 કલાકે ભવ્ય સંતવાણી લોક ડાયરો યોજાશે. જ્યારે તારીખ 16 ને ગુરૂવારના સવારે 6:30 કલાકે મહાપૂજા આરતી, સવારે 9:30 કલાકે મહામંડલેશ્વર 1008 હરિહરાનંદ ભારતીજી મહારાજ, દેવતણખી ધામના પુજારી વિઠ્ઠલદાસ બાપુ તેમજ મહામંડલેશ્વર મહાદેવ ભારતી વગેરે સાધુ સંતોની ઉપસ્થિતિમાં દેવતણખી ધામ ખાતે સમગ્ર દેશમાં વસતા ભામાશાનું સન્માન કરવામાં આવશે. અને બાદમાં અષાઢી બીજ મહોત્સવનો પ્રારંભ કરવામાં આવશે અને બપોરે 3 કલાકે 115 મી ભવ્ય શોભાયાત્રા નીકળશે.
