સૌરાષ્ટ્રમાં અષાઢી બિજનું શુકન સાચવતા મેઘરાજા, સૌથી વધુ પડધરીમાં બે ઇંચ

રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, જામનગર અને કચ્છમાં ઝરમર: લીલીયાનાં ક્રાકચ ગામ પાસે વોકળામાં બાઇક તણાતા શિક્ષકનું મોત, પ્રિન્સીપાલનો બચાવ

અષાઢી બિજના પવિત્ર દિવસે મેઘરાજાએ પોતાની બિજી ઇંનીંગનો પ્રારંભ કરતા હાજરી નોંધાવી હતી. સાંજના છ વાગ્યા સુધીમાં રાજયના 93 તાલુકામાં બે ઇંચથી અડધો ઇંચ સુધીનો વરસાદ પડયો હતો. સૌરાષ્ટ્રમાં રાજકોટ, જુનાગઢ, ગીર સોમનાથ, જામનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર અને કચ્છમાં અમી છાટણા થયા હતા. સૌથી વધારે રાજકોટ જિલ્લાના પડધરી તાલુકામાં બે ઇંચ વરસ્યો હતો.
રાજકોટમાં સવારથી જ વાતાવરણમાં પલટો આવતા ધીમીધારે વરસતા શહેરમાં એક ઇંચ પડયો હતો. જયારે તાલુકામાં પડધરીમાં બે ઇંચ પડયો હતો. ખંભાળા, કેરાળા, મેટોડા, રંગપર અને બોડીઘોડી વિસ્તારમાં ખાબકયો હતો. જયારે લોધીકા, ગોંડલમાં હાજરી નોંધાવી હતી.
જામનગર જીલ્લાના ધ્રોલ તાલુકાના ઈટાળા, જાયવા અને નાના ગરેડીયા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં અષાઢી બીજના પવિત્ર દિવસે ધીમીધારે વરસાદનું આગમન થયું હતું. છેલ્લા ઘણા સમયથી અસહ્ય ગરમી અને ભારે ઉકળાટ સહન કરી રહેલા લોકોને આ વરસાદી ઝાપટાંથી મોટી રાહત મળી છે અને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
સૌરાષ્ટ્ર પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું વિધિવત અને ધમાકેદાર આગમન થયું છે. જૂનાગઢ જિલ્લાના કેશોદ અને વંથલી પંથકમાં સવારથી જ સર્જાયેલા વાદળછાયા વાતાવરણ વચ્ચે જોરદાર વરસાદી ઝાપટાં શરૂ થયા હતા. બીજી તરફ, ગીર સોમનાથ જિલ્લામાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે, જેમાં ઉના- તાલાલા શહેર સહિત જંગલ સરહદે આવેલા છેવાડાના ગામો જેવા કે જાવંત્રી, પાણીકોઠા, વડાલા અને ઉના પંથકમાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભગવાન જગન્નાથની રથયાત્રાના પાવન પર્વે જાણે કુદરત જળાભિષેક કરી રહી હોય તેમ વરસાદનો આ બીજો રાઉન્ડ શરૂ થતાં સમગ્ર સૌરાષ્ટ્રમાં અદભુત ઠંડક પ્રસરી ગઈ છે.
બોટાદમાં વરસાદી
માહોલ જામ્યો
બોટાદ જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર પ્રસ્થાન કર્યું છે અને સમગ્ર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. બોટાદ શહેરના જ્યોતિગ્રામ સર્કલ, ભાવનગર રોડ, પાળીયાદ રોડ, હવેલી ચોક અને ટાવર રોડ સહિતના વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ થતાં જ રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. આ તરફ ગઢડા શહેરમાં પણ મેઘમહેર જોવા મળી હતી, જેમાં સામાકાંઠા, ભડલીના ઝાંપે, બોટાદના ઝાંપે, જીનનાકા, ટાવર રોડ, નવી કાપડ બજાર અને માણેકચોક સહિતના વિસ્તારો પાણી-પાણી થયા હતા. શહેરી વિસ્તારો ઉપરાંત ગઢડા તાલુકાના ગ્રામ્ય પંથકમાં પણ મેઘરાજાની સવારી પહોંચી હતી. તાલુકાના લાખણકા, પડવદર, મોટી કુંડળ, ઢસા, પાટણા, ગોરડકા અને ટાટમ સહિતના ગામોમાં ધીમીધારે સતત વરસાદ વરસ્યો હતો.
રાણપુર તાલુકાના નાગનેશ ગામે વીજળીના કડાકા-ભડાકા સાથે મુશળધાર વરસાદ તૂટી પડ્યો હતો. ધોધમાર વરસાદને પગલે નાગનેશ ગામના સીમ વિસ્તારો અને ખેતરોમાં પાણી વહેતા થઈ ગયા હતા.
અમરેલી જિલ્લામાં આજે વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા અમરેલી જિલ્લાના લીલીયા તાલુકાના ગ્રામ્ય પંથકમાં અચાનક અનરાધાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. લીલીયાના ક્રાકચ નજીક આવેલા બાવળો ડુંગર તરીકે ઓળખાતા વિસ્તારમાં ભારે વરસાદને પગલે નદીના વોંકળામાં અચાનક પૂર આવ્યું હતું. આ દરમિયાન ભોરીંગડા સ્થિત નાલંદા સ્કૂલના સંચાલક જગદીશ રંગપરા પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જતા તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવમાં મળતી માહિતી મુજબ જગદીશ રંગપરા બાઇક લઈને સ્કૂલ તરફ આવી રહ્યા હતા. ત્યારે વોંકળામાં અચાનક પાણીનો પ્રવાહ વધ્યો હતો. ભારે પાણીના પ્રવાહના કારણે તેઓ બાઇક સહિત પાણીમાં તણાઈ ગયા હતા. પાણીનો પ્રવાહ તેમને અને બાઇકને અંદાજે એક કિલોમીટર જેટલા અંતર સુધી ખેંચી ગયો હતો. સ્થાનિક લોકો દ્વારા શોધખોળ હાથ ધરાતા તેમનો મૃતદેહ મળી આવ્યો હતો.
આ ઘટનામાં બાઇક પર સાથે રહેલા નાલંદા સ્કૂલના પ્રિન્સીપાલનો સદભાગ્યે આબાદ બચાવ થયો હોવાનું જાણવા મળ્યું છે. અચાનક આવેલા પૂરના કારણે વિસ્તારમાં ભારે દોડધામ મચી ગઈ હતી.

રિલેટેડ ન્યૂઝ