દરિયાકાંઠાનું તરસ્યુ ગામ: ઉનાના નવાબંદરમાં ગંદા પાણીથી જન આક્રોશ

રાવલ ડેમ જુથ યોજનાનું ડહોળુ પાણી પીવા માટે અયોગ્ય: 15 હજારની વસતી શુધ્ધ પાણી માટે 6 કિ.મી. દૂર ભટકવા મજબુર

ઉના તાલુકાના દરિયાકાંઠાના નવાબંદર ગામમાં પાણીની ગંભીર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રાવલ ડેમ જૂથ પાણી પુરવઠા યોજના હેઠળ ગામમાં છેલ્લા એક મહિનાથી અપાતું પાણી તદ્દન ડહોળું, ગંદુ અને માટી મિશ્રિત આવતું હોવાના કારણે ગ્રામજનોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. લોકો તો શું, ઢોર પણ પી ન શકે તેવું પાણી ઘરો સુધી પહોંચતા હજારો પરિવારો પીવાના શુદ્ધ પાણીથી વંચિત બન્યા છે.
લગભગ 15 હજારની વસ્તી ધરાવતા નવાબંદર ગામમાં પીવા, રસોઈ અને ઘરગથ્થુ ઉપયોગ માટેનું એકમાત્ર આધાર રાવલ ડેમ જૂથ યોજના છે. દરિયાકાંઠાનો વિસ્તાર હોવાથી અહીંના કૂવાઓનું પાણી ખારું અને ક્ષારયુક્ત હોવાથી પીવા યોગ્ય નથી. આવી સ્થિતિમાં સરકારની પાણી પુરવઠા યોજના જ ગામ માટે જીવનદોરી સમાન છે, પરંતુ એ જ યોજનામાંથી છેલ્લા એક મહિનાથી ગંદુ અને ડહોળું પાણી મળતા લોકોની હાલત કફોડી બની છે.
ગામમાં ગ્રામ પંચાયત દ્વારા વસ્તી અનુસાર સંપ ટાંકા બનાવવામાં આવ્યા હોવા છતાં તેમાં ભરાતું પાણી પીવા લાયક ન હોવાથી લોકો દરરોજ પોતાના વાહનો, રિક્ષા કે ટેન્કર મારફતે નવાબંદરથી આશરે 6 કિલોમીટર દૂર આવેલા દેલવાડા અને આસપાસના વાડી વિસ્તારોમાંથી વેચાતું શુદ્ધ પાણી ખરીદીને લાવવા મજબૂર બન્યા છે. વધતા ખર્ચ અને ભારે મુશ્કેલી વચ્ચે રોજિંદા જીવન પર સીધી અસર પડી રહી છે.
ગ્રામજનોના જણાવ્યા મુજબ ગંદા પાણીના કારણે બાળકો, વૃદ્ધો અને મહિલાઓમાં પાણીજન્ય રોગો ફેલાવાનો ભય ઊભો થયો છે. અનેક પરિવારો આર્થિક રીતે પાણી ખરીદી શકતા નથી, જેના કારણે તેઓ મજબૂરીમાં એ જ ગંદું પાણી વાપરવા અને પીવા મજબૂર બન્યા છે. ગ્રામજનોનું કહેવું છે કે આ માત્ર પાણીનો પ્રશ્ન નથી, પરંતુ લોકોના આરોગ્ય અને જીવન સાથેનો ગંભીર ખેલ છે.
સ્થાનિક લોકોના આક્ષેપ મુજબ આ અંગે રાવલ ડેમ જૂથ યોજના સંચાલનના અધિકારીઓને અનેક વખત મૌખિક, ટેલિફોનિક તેમજ લેખિત રજૂઆતો કરવામાં આવી છે, છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રના ઉદાસીન વલણથી ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગામના આગેવાનોનું કહેવું છે કે સરકાર દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે પાણી પુરવઠાની યોજનાઓ ઊભી કરવામાં આવે છે, પરંતુ જો લોકોના ઘરો સુધી શુદ્ધ પાણી જ ન પહોંચે તો આવી યોજનાઓનો હેતુ જ નિષ્ફળ બની જાય છે. હવે નવાબંદરના લોકોની એક જ માંગ છે કે પાણીના નમૂનાઓની તાત્કાલિક તપાસ કરવામાં આવે, પુરવઠાની લાઇન અને ફિલ્ટરિંગ વ્યવસ્થા સુધારવામાં આવે અને ગામને સ્વચ્છ તથા પીવાલાયક પાણીનો નિયમિત પુરવઠો શરૂ કરવામાં આવે.

“શુદ્ધ પાણી પણ ખરીદીને પીવું પડે છે સરપંચ પ્રતિનિધિ સોમવારભાઈ મજીઠીયા
નવાબંદર ગ્રામ પંચાયતના સરપંચ પ્રતિનિધિ સોમવાર ભાઈ મજીઠીયાએ જણાવ્યું હતું કે ગામની વસ્તીને ધ્યાનમાં રાખીને પંચાયત દ્વારા તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ રાવલ ડેમ જૂથ યોજના હેઠળ આવતું પાણી અત્યંત ગંદુ અને ડહોળું હોવાથી તેનો ઘરગથ્થુ કે પીવાના ઉપયોગમાં લેવો શક્ય નથી. તેમણે જણાવ્યું કે સક્ષમ પરિવારો દેલવાડા અને આસપાસના વિસ્તારોમાંથી પૈસા ખર્ચીને પાણી ખરીદી શકે છે, પરંતુ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો તેમજ માછીમાર સમાજ માટે આ શક્ય નથી. પરિણામે હજારો લોકો ગંદું પાણી વાપરવા મજબૂર બન્યા છે, જેનાથી પાણીજન્ય રોગચાળો ફેલાવાનો ખતરો વધી રહ્યો છે. સોમવારભાઈએ વધુમાં જણાવ્યું કે અનેક વખત રજૂઆત છતાં અધિકારીઓ સમસ્યાનું નિરાકરણ લાવવામાં નિષ્ફળ રહ્યા છે. તેમણે જિલ્લા વહીવટી તંત્ર અને પાણી પુરવઠા વિભાગને તાત્કાલિક હસ્તક્ષેપ કરીને નવાબંદરના લોકોને શુદ્ધ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવાની ઉગ્ર માંગ કરી છે.
લોકો ગંદુ અને ડોળુ પાણી પીવા મજબૂર
નવાબંદરના લોકોનો સવાલ જ્યારે સરકાર હર ઘર જળ ની વાત કરે છે, ત્યારે શું લોકોને ગંદું પાણી પીવા મજબૂર થવું જોઈએ? હવે તંત્ર તાત્કાલિક જાગે અને હજારો લોકોના આરોગ્ય સાથે જોડાયેલા આ પ્રશ્નનો કાયમી ઉકેલ લાવે તેવી લોકમાગ પ્રબળ બની છે.

રિલેટેડ ન્યૂઝ