વડિયાના તોરી ગામે ગ્રામ પંચાયત કચેરીમાં સર્જાયું નેતાઓ વચ્ચે ધીંગાણું, ખુરશીઓ ઉડી

કુંકાવાવ તાલુકા પંચાયત પ્રમુખના પતિદેવ અને વર્તમાન સરપંચ વચ્ચે થઈ મારામારી બંને નેતાઓ હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ, રાજકીય માહોલ ગરમાયો

અમરેલી જિલ્લાના વડિયા કુંકાવાવ તાલુકાના તોરી ગામના પૂર્વ સરપંચ સોનલબેન પાનસુરીયા તાલુકા પંચાયત ચૂંટણી માં વિજેતા બનતા તેની કુંકાવાવ તાલુકા પંચાયત ના પ્રમુખ તરીકે વરણી થતા તોરી ગામના સરપંચ પદનો ચાર્જ ઉપ સરપંચ પરેશભાઈ કોટડીયા ને સોપાવામાં આવતા હાલ તોરી ગ્રામપંચાયત નુ સુકાન તેઓ સંભાળી રહ્યા છે. બપોર બાદ ના સમયે તોરી ગામમાં વિકાસ કર્યો ચાલતા હોવાથી તાલુકા પંચાયત પ્રમુખ ના પ્રતિનિધિ યોગેશભાઈ પાનસુરીયા અને સરપંચ પરેશભાઈ કોટડીયા તોરી ગામે હાજર હતા ત્યારે બંને વચ્ચે ગ્રામપંચાયત ખાતે ધીંગાણાની ઘટના ઘટી હતી અને ગ્રામપંચાયત કચેરીમાં બંને નેતાઓ વચ્ચે ખુરશીઓ ઉડી હતી અને બટકા ભર્યા ની ઘટનાઓ સામે આવી હતી. આ બાબત ની જાણ સ્થાનિકોને થતા મામલો વધુ ગરમાયો હતો. બંને નેતાઓ ધીંગાણા માં ઈજાગ્રસ્ત થતા 108 મારફતે વડિયા સીવીલ હોસ્પિટલ માં સારવાર અર્થે ખાસેડવામાં આવ્યા હતા. આ બાબતની જાણ વડિયા પોલીસને થતા તે પણ ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથધરી હતી. જોકે સરપંચ પરેશભાઈ કોટડીયા ને વધુ ઈજાઓ થતા તેમને વધુ સારવાર અર્થે જેતપુર રીફર કરવામા આવ્યા હતા. આ તકે બંને નેતાઓના જગડાના સમાચાર સમગ્ર પંથક માં ફેલાતા વડિયા સીવીલ હોસ્પિટલ ખાતે બંને નેતાઓના સમર્થકો ઉમટ્યા હતા.આ બનાવ અંગે વધુ તપાસ કરતા બનાવ પાછળના કારણ અંગે મળતી માહિતી મુજબ, તોરી ગામના પૂર્વ સરપંચ શ્રીમતી સોનલબેન પાનસુરીયા તાલુકા પંચાયતના સભ્ય તરીકે ચૂંટાઈ આવતા સરપંચ પદનો ચાર્જ તેમના વિરોધ પક્ષના શ્રી પરેશભાઈ કોટડીયાને સોંપવામાં આવ્યો હતો. ચાર્જ સંભાળ્યા બાદ પરેશભાઈ કોટડીયા દ્વારા પૂર્વ સરપંચના કાર્યકાળ દરમિયાન થયેલા વિકાસ કાર્યોના બિલો, કામગીરી તેમજ અન્ય વહીવટી બાબતો અંગે માહિતી મેળવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળે છે. ઉપરાંત, પૂર્વ સરપંચના કાર્યકાળ દરમિયાન થયેલા કથિત ભ્રષ્ટાચારના મામલે જિલ્લા વિકાસ અધિકારી તેમજ વિકાસ કમિશનર દ્વારા અંદાજે રૂ. 13થી 14 લાખની વસૂલાત અંગે અગાઉ હુકમ કરવામાં આવ્યો હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે. આ હુકમ અને અન્ય બાબતોને લઈને પરેશભાઈ કોટડીયા દ્વારા વારંવાર માહિતીના અધિકાર (છઝઈં) હેઠળ અરજીઓ કરી માહિતી માંગવામાં આવતી હતી. આ મુદ્દે બંને પક્ષો વચ્ચે લાંબા સમયથી મતભેદ ચાલતા હોવાનું સ્થાનિક સૂત્રો જણાવી રહ્યા છે. જોકે, યોગેશભાઈ પાનસુરીયાએ આ કારણોસર હુમલો કર્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે, પરંતુ તેની સત્તાવાર પુષ્ટિ થઈ નથી. સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે

રિલેટેડ ન્યૂઝ