બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થીએ રાષ્ટ્રીય કક્ષાએ ચમકાવ્યું જૂનાગઢનું નામ

કરણ દેગામાએ ‘ટગ ઓફ વોર નેશનલ ચેમ્પિયનશિપ’માં મેળવ્યો બ્રોન્ઝ મેડલ

જૂનાગઢ ખાતે બહાઉદ્દીન સરકારી વિનયન કોલેજના રમત ગમત વિભાગના તેજસ્વી વિદ્યાર્થી દેગામા કરણે જમ્મુ-કશ્મીર ખાતે આયોજિત રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને સમગ્ર ગુજરાત અને જૂનાગઢ જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.
જમ્મુ-કશ્મીરના કુલગામ સ્થિત જી.ક્યુ.પબ્લિક સ્કૂલના સ્પોર્ટસ ગ્રાઉન્ડ ખાતે આયોજિત ’28મી સબ-જુનિયર, 39મી જુનિયર અને 39મી સિનિયર ટગ ઓફ વોર નેશનલ ચેમ્પિયનશિપ પંડિત ગૌતમ કૌલ કપ 2026-27’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ’ટગ ઓફ વોર ફેડરેશન ઓફ ઇન્ડિયા’ અને ’જમ્મુ અને કાશ્મીર ટગ ઓફ વોર એસોસિએશન’ દ્વારા આયોજિત આ પ્રતિષ્ઠિત રાષ્ટ્રીય સ્પર્ધામાં દેશભરની વિવિધ રાજ્યોની ટીમોએ ભાગ લીધો હતો.આ 39 મી નેશનલ ટગ ઓફ વોર ચેમ્પિયનશિપમાં અદભુત ખેલદિલી અને શારીરિક ક્ષમતાનું પ્રદર્શન કરીને ’ટીમ ગુજરાત’ સમગ્ર ભારતમાં ત્રીજું સ્થાન પ્રાપ્ત કરીને દેશભરમાં કાંસ્ય પદક મેળવવામાં સફળ રહી છે.
ગુજરાતની આ વિજેતા ટીમમાં જૂનાગઢની બહાઉદ્દીન કોલેજના વિદ્યાર્થી દેગામા કરણે ખૂબ જ મહત્વની ભૂમિકા ભજવી હતી. રાષ્ટ્રીય સ્તરે બ્રોન્ઝ મેડલ જીતીને કોલેજ પરત ફરેલા ખેલાડી કરણ દેગામાનું કોલેજ ખાતે ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના આચાર્ય ડો. જે.આર.વાંઝા, તત્વજ્ઞાન વિભાગના અધ્યક્ષ ડો. પી.વી.બારસીયા દ્વારા વિદ્યાર્થી કરણ દેગામાને હાર્દિક શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

રિલેટેડ ન્યૂઝ