શિક્ષક દારૂ પીધેલી હાલતમાં મળી આવ્યો તો 24 કલાકમાં તપાસ શરૂ: વિદ્યાર્થી પાસે દારૂ મંગાવવાની ઘટનામાં 20 દિવસ સુધી મૌન; અખબારી અહેવાલ બાદ જ અધિકારીઓ દોડ્યા
ઉના તાલુકાની ખાપટ પ્રાથમિક શાળામાં સામે આવેલા દારૂકાંડમાં શિક્ષણ વિભાગની કામગીરી સામે હવે ગંભીર સવાલો ઊભા થયા છે. એક જ શાળામાં બનેલી બે અલગ-અલગ ઘટનાઓમાં તપાસની ગતિમાં રહેલો મોટો તફાવત સમગ્ર તંત્રની કાર્યપદ્ધતિ સામે પ્રશ્નાર્થ ઊભો કરી રહ્યો છે. માર્ચ મહિનામાં શિક્ષક શાળામાં દારૂ પીધેલી હાલતમાં આવ્યા હોવાની ફરિયાદ થતાં માત્ર 24 કલાકમાં તપાસ શરૂ થઈ હતી અને 9 દિવસ માં કાર્યવાહી પૂર્ણ કરી દેવામાં આવી હતી. પરંતુ 20 જૂને ધોરણ-7ના વિદ્યાર્થીને રૂ.500 આપી વિદેશી દારૂ મંગાવવાની ગંભીર ઘટના સામે આવ્યા બાદ 20 દિવસ સુધી તંત્ર જાણે મૌન રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
મળતી માહિતી મુજબ, ખાપટ પ્રાથમિક શાળાના ધોરણ-7ના શિક્ષક હરેશગીરી ગૌસ્વામીએ 20 જૂને એક વિદ્યાર્થીને રૂ.500 આપી વિદેશી દારૂની બોટલ લેવા મોકલ્યો હોવાનો આક્ષેપ છે. વિદ્યાર્થી દારૂની બોટલ લઈને પરત ફરતાં સમગ્ર મામલો આચાર્યના ધ્યાને આવ્યો હતો. આચાર્ય દ્વારા બોટલ કબજે કરી સ્થળ પર રોજકામ કરવામાં આવ્યું હતું અને સમગ્ર અહેવાલ તાલુકા શિક્ષણાધિકારીને મોકલવામાં આવ્યો હતો. આ અહેવાલ જિલ્લા શિક્ષણાધિકારીને પણ મોકલવામાં આવ્યો હોવાનું તાલુકા શિક્ષણાધિકારી દ્વારા જણાવાયું હતું.
તેમ છતાં, 20 જૂનની ઘટનામાં તાત્કાલિક તપાસ કે કાર્યવાહી કેમ ન થઈ તે હવે સૌથી મોટો સવાલ બન્યો છે. 9 જુલાઈએ અખબારી અહેવાલો પ્રસિદ્ધ થયા બાદ જ શિક્ષણ વિભાગમાં દોડધામ મચી હતી. ત્યાર બાદ 10 જુલાઈએ અધિકારીઓની ટીમ શાળાએ પહોંચી હતી અને તપાસ હાથ ધરાઈ હતી. બાદમાં શિક્ષકને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો.
તપાસ માત્ર શિક્ષકની નહીં, વિલંબ કરનારાઓની પણ થવી જોઈએ
હવે સમગ્ર પ્રકરણમાં સ્થાનિક કક્ષાથી જિલ્લા કક્ષા સુધી થયેલા વિલંબની તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવાની માંગ ઉઠી છે. 20 જૂને બનેલી ઘટનાની જાણ હોવા છતાં સમયસર કાર્યવાહી કેમ ન થઈ? અહેવાલ કયા સ્તરે અટક્યો? તપાસ શરૂ કરવામાં વિલંબ માટે જવાબદાર કોણ? અને અખબારી અહેવાલ બાદ જ તંત્ર કેમ જાગ્યું? આ તમામ સવાલોની તપાસ થવી જરૂરી છે.ખાપટ દારૂકાંડમાં હવે માત્ર સસ્પેન્ડ થયેલા શિક્ષક સામેની કાર્યવાહી પૂરતી નથી. ઘટનાની જાણ હોવા છતાં 20 દિવસ સુધી કાર્યવાહી ન કરનાર તંત્રની પણ જવાબદારી નક્કી થાય અને જો કોઈ અધિકારીની બેદરકારી કે ઢીલી નીતિ બહાર આવે તો તેની સામે પણ કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે.
માર્ચમાં બીજા જ દિવસે તપાસ, જૂનમાં 20 દિવસ સુધી મૌન!
માર્ચ મહિનાની ઘટનામાં 4 માર્ચે શિક્ષક શાળામાં દારૂ પીધેલી હાલતમાં આવ્યા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. ફરિયાદના બીજા જ દિવસે, 5 માર્ચે તાલુકા કક્ષાની ટીમે તપાસ શરૂ કરી હતી. વિદ્યાર્થીઓ, શિક્ષકો અને આચાર્યના નિવેદનો લેવામાં આવ્યા હતા. તપાસ અહેવાલ જિલ્લા કક્ષાએ મોકલાયો હતો અને 12 માર્ચે તપાસ પૂર્ણ કરી દેવામાં આવી હતી. જ્યારે જૂનની ઘટનામાં આચાર્ય દ્વારા સ્થળ પર રોજકામ કરી અહેવાલ મોકલાયો હોવા છતાં 21 જૂને તપાસ શરૂ કરવાને બદલે 20 દિવસ સુધી કોઈ કાર્યવાહી કેમ ન થઈ? શું આ ગંભીર ઘટનાને દબાવી દેવાનો પ્રયાસ થયો હતો? કે પછી અધિકારીઓની ફાઇલોમાં આ પ્રકરણ દબાઈ ગયું હતું? આ સવાલોના જવાબ હવે તટસ્થ તપાસમાં બહાર આવવા જરૂરી છે.
‘મીડિયા સુધી વાત કેવી રીતે પહોંચી?’આ સવાલ જ કેમ?
આ સમગ્ર પ્રકરણની તપાસ માટે આવેલી ટીમ દ્વારા ઘટના મીડિયામાં કેવી રીતે પહોંચી તે અંગે સવાલો કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે. શિક્ષક દ્વારા એક વિદ્યાર્થીને પૈસા આપી વિદેશી દારૂ મંગાવવામાં આવ્યો હોવાની ગંભીર ઘટના સામે આવી હોવા છતાં તપાસમાં થયેલા વિલંબની જવાબદારી નક્કી કરવાને બદલે માહિતી મીડિયા સુધી કેવી રીતે પહોંચી તે અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. જો શિક્ષણ વિભાગને માર્ચની ઘટનાની જાણ થતાં 24 કલાકમાં તપાસ શરૂ કરી શકાય છે, તો જૂનની ઘટનામાં અહેવાલ મળ્યા બાદ તાત્કાલિક કાર્યવાહી કેમ ન થઈ? વિદ્યાર્થીને દારૂ લેવા મોકલવાની ઘટનાને તંત્રએ શરૂઆત થી જ ગંભીરતાથી કેમ ન લીધી? આ સવાલ હવે માત્ર ખાપટ શાળા પૂરતો મર્યાદિત રહ્યો નથી, પરંતુ સમગ્ર શિક્ષણ તંત્રની કામગીરી સામે ઊભો થયો છે.
