ભારે વરસાદ બાદ વાહનચાલકોની મુશ્કેલી દૂર કરવા તંત્ર દ્વારા માટીકામ હાથ ધરાયું
ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદી માહોલ વચ્ચે માર્ગોની સલામતીને લઈને વહીવટી તંત્ર દ્વારા જરૂરી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. ઉના તાલુકાના સનખડા-ખત્રીવાડા માર્ગ પર ભારે વરસાદના કારણે સાઈડ સોલ્ડરનું ધોવાણ થતાં વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હતો.
મળતી માહિતી મુજબ, તાજેતરમાં પડેલા ભારે વરસાદ ના કારણે સનખડા-ખત્રીવાડા રોડના કેટલાક ભાગોમાં રસ્તાની બાજુનો સાઈડ સોલ્ડર ધોવાઈ ગયોહતો.જેના કારણે રસ્તાની બાજુનો ભાગ નબળો બનતા વાહન ચાલકોમાં અકસ્માતની ભીતિ પણ ઊભી થઈ હતી.
આ બાબતને ધ્યાનમાં લઈ માર્ગ અને મકાન વિભાગ (પંચાયત) દ્વારા તાત્કાલિક કામગીરી હાથ ધરવામાં આવી હતી. વિભાગના કાર્યક્ષેત્ર હેઠળ ધોવાણ થયેલા સાઈડ સોલ્ડર પર માટીકામ કરીને માર્ગની બાજુનો ભાગ ફરી મજબૂત બનાવવાની કામગીરીકરવામાંઆવી હતી.
મરામત કામગીરી પૂર્ણ થતાં હાલ વાહનચાલકોને રાહત મળી છે. વરસાદી માહોલમાં રસ્તાઓને નુકસાન ન થાય અને નાગરિકોની સલામતી જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા આવા સ્થળોએ સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
