તંત્ર દ્વારા રેસ્કયુ કરાયું: અવિરત વરસાદથી શેરી-રસ્તાઓ બેટમાં ફેરવાયા, ઘરમાં પાણી ઘુસ્યા
સૌરાષ્ટ્રના જગવિખ્યાત યાત્રાધામ વીરપુરમાં ગત રાત્રિથી વરસાદી માહોલ જામ્યો હતો. ગત રાત્રે ગુરુવારે આશરે 8 વાગ્યાથી શુક્રવારે સવારે 8 વાગ્યા સુધીમાં અંદાજે 6 ઇંચ જેટલો ધોધમાર વરસાદ નોંધાતા સમગ્ર શહેર પાણીમાં તરબોળ બન્યું હતું.
અવિરત વરસેલા વરસાદને કારણે વીરપુરની મુખ્ય શેરીઓ, ગલીઓ તેમજ રોડ-રસ્તાઓ પર નદીઓ માફક પાણી ફરી વળ્યા હતા. ભારે વરસાદના કારણે લોકોને અવરજવરમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. અનેક વિસ્તારોમાં વાહનવ્યવહાર પણ પ્રભાવિત થયો હતો.
વીરપુર પંથકના થોરાળા, જેપુર, પીઠડીયા, કાગવડ સહિતના ગામોમાં પણ ધોધમાર વરસાદ વરસતા સર્વત્ર પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદના કારણે જનજીવન થોડા સમય માટે અસ્તવ્યસ્ત બન્યું હતું.
વીરપુરના જલારામ નગર રોડ પર આવેલા ખરાવાડ વિસ્તાર તેમજ રાધાકૃષ્ણ સોસાયટીમાં વરસાદી પાણી ઘરોમાં ઘૂસી જતાં સ્થાનિક રહેવાસીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ઉપરાંત ખાંટ રાજપૂત સમાજ નજીકના વિસ્તારમાં પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. વહેલી સવારે અનેક રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણી ઘૂસી જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.
જો કે સવારે વરસાદે વિરામ લેતા પાણી ધીમે ધીમે ઓસરવા લાગ્યા હતા અને પરિસ્થિતિ સામાન્ય બનવા લાગી હતી.બીજી તરફ, સતત વરસેલા વરસાદથી વીરપુર પંથકની નદીઓ અને નાળાઓમાં બે કાંઠે પાણી વહેવા લાગતાં ખેડૂતોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ હતી. વરસાદથી ખેતરોમાં વાવેલા પાકને જીવતદાન મળવાની આશા જાગી છે અને લાંબા સમયથી વરસાદની રાહ જોઈ રહેલા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.
નેશનલ હાઇવેથી સ્વામિનારાયણ ગુરુકુલ થઈ વીરપુર તરફ જવાના માર્ગ પર આવેલી તેલ હોકરા નદીમાં આવેલા પૂર દરમિયાન એક ઇલેક્ટ્રિક કાર પાણીના જોરદાર પ્રવાહમાં તણાઈ ગઈ હતી.
ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો મોટી સંખ્યામાં સ્થળ પર દોડી આવ્યા હતા. પ્રાથમિક તબક્કે સ્થાનિકોના જણાવ્યા મુજબ કારમાં એકથી બે વ્યક્તિઓ સવાર હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જેતપુર ફાયર વિભાગ, ગોંડલ ફાયર વિભાગ, પોલીસ તંત્ર તથા મામલતદાર સહિતનો વહીવટી કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો.
બાદમાં જઉછઋની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યૂ કામગીરીમાં જોડાઈ હતી. વિવિધ વિભાગોની સંયુક્ત કામગીરીના પરિણામે ભારે જહેમત બાદ પૂરનાં પાણીમાંથી ઇલેક્ટ્રિક કારને બહાર કાઢવામાં સફળતા મળી હતી.
ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને રાજકોટ જિલ્લા એસ.પી. વિજયસિંહ ગુર્જર તાત્કાલિક અસરથી વીરપુર ખાતે દોડી આવ્યા હતા. તેમણે કાર જ્યાં પાણીમાં તણાઈ હતી અને જ્યાંથી કાર મળી આવી હતી, તે સમગ્ર વિસ્તારની પરિસ્થિતિનું રૂબરૂ તેમજ ડ્રોન કેમેરાથી નિરીક્ષણ કરી સ્થળ મુલાકાત લીધી હતી.
