બે વર્ષમાં જ બ્રિજની હાલત બિસમાર
એક તરફનો ભાગ છૂટો પડ્યો, મોટી તિરાડ અને પોલાણથી અકસ્માતનો ગંભીર ખતરો
ઉના-ભાવનગર નેશનલ હાઇવે પર સામતેર અને ટીબી ગામ વચ્ચે રાવલ નદી પર બનાવવામાં આવેલો નવો બ્રિજ હાલ ગંભીર પ્રશ્નો વચ્ચે ઘેરાયો છે. બ્રિજના છેડા ના ભાગમાં મોટી તિરાડ પડી છે, એક તરફનો ભાગછૂટો પડ્યો છે અને રસ્તા નીચે પોલાણ સર્જાતા વાહનપસાર થાય ત્યારે બ્રિજનો આ ભાગ ધ્રૂજતો હોવાના આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. આ પરિસ્થિતિને પગલે નેશનલ હાઇવે પરથી પસાર થતા હજારો વાહન ચાલકોની સલામતી સામે ગંભીર સવાલો ઉભા થયા છે.
સ્થાનિકોના જણાવ્યા મુજબ, બ્રિજના જમણી બાજુ ના છેડાના ભાગમાં માર્ગ અલગ પડી ગયો છે. જમીન અને બ્રિજના જોડાણવાળા ભાગમાં મોટી તિરાડજોવા મળી રહી છે. કેટલાક સ્થળે પોલાણ સર્જાયું હોય તેમ જણાઈ રહ્યું છે. ભારે વાહનો ઉપરાંત નાના અને મધ્યમ વાહનો પસાર થતાં પણ આભાગમાં ધ્રુજારી અનુભવાતી હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. સામતેર-ટીબી ગામ વચ્ચે રાવલ નદી પરનો આબ્રિજ ઉના-ભાવનગર નેશનલ હાઇવે માટે અત્યંત મહત્વપૂર્ણ છે. દરરોજ નાના-મોટા વાહનો ઉપરાંત ભારે વાહનોની પણ મોટી સંખ્યામાં અવરજવર રહે છે. આવા વ્યસ્ત માર્ગ પર બ્રિજના છેડાના ભાગમાં મોટી તિરાડ, પોલાણ અને છૂટો પડતો ભાગ જોવા મળવો એ માત્ર સામાન્ય નુકસાનનો મામલો નથી, પરંતુ સીધી રીતે વાહનચાલકો અને મુસાફરોની સુરક્ષા સાથે જોડાયેલો ગંભીર મુદ્દો છે.સ્થાનિકોનો આક્ષેપ છે કે બ્રિજના એકભાગની હાલત એવી બની રહી છે કે કોઈપણ સમયે વધુ નુકસાન થવા ની શક્યતા નકારી શકાય તેમ નથી. ખાસ કરીને ભારે વાહનો પસાર થાય ત્યારે જો બ્રિજનો નબળો ભાગવધુ બેસી જાય અથવા તૂટે તો મોટી જાનહાનિ સર્જાઈ શકે છે. લોકોની સલામતીને ધ્યાનમાં રાખીને નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા તથા જવાબદાર કોન્ટ્રાક્ટર એજન્સી દ્વારા તાત્કાલિક સ્થળ પર ટેકનિકલનિષ્ણાતો ની ટીમ મોકલી બ્રિજનો સંપૂર્ણ સર્વે કરવો જરૂરી છે.જ્યાં સુધી બ્રિજની મજબૂતી અંગે સ્પષ્ટતા ન થાય ત્યાં સુધી જોખમી ભાગને સુરક્ષિત કરવો, યોગ્ય ચેતવણીના બોર્ડ મૂકવા અને જરૂર જણાય તો વાહન વ્યવહારનું નિયમન કરવું જરૂરી બન્યું છે.હવે જો તંત્ર દ્વારા સમય સરતપાસ અને મરામત કરવામાં નહીં આવે અને કોઈ મોટીદુર્ઘટના સર્જાય તો તે માત્ર કુદરતી અકસ્માત નહીં, પરંતુ તંત્રની આંખ સામે ઊભા થયેલા જોખમની અવગણનાનું પરિણામ ગણાશે. લોકોનો સીધો સવાલ છે કે ‘મોટી દુર્ઘટના બને તેની રાહ જોવાની જગ્યાએ તંત્ર આજે જ કેમ નથી જાગતું?’
‘આવું કામ કેવી રીતે થયું?’ આવું ચલાવી લેવાય નહી
વાહનચાલકોમાં પણ રોષ ઉઠયો છે સ્થાનિક ચેતન ભાઈએ જણાવ્યું હતું કે, આટલો મહત્વપૂર્ણ નેશનલ હાઇવેનો બ્રિજ વાહન પસાર થતાં ધ્રૂજી ઊઠે તે અત્યંત ગંભીર બાબત છે. જો બ્રિજની હાલત ખરાબ હોય તો અહીંથી વાહન વ્યવહાર ચાલુ રાખવો પણ જોખમી બની શકે છે. નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને જવાબદાર એજન્સીએ તાત્કાલિક સ્થળ પર ટેકનિકલ ટીમ મોકલી સમગ્ર બ્રિજનું નિરીક્ષણ કરવું જોઈએ.
નિર્દોષ જીંદગી છીનવાય તો જવાબદારી કોણ લેશે!
પોતાનું વાહન રોકીને બ્રિજની સ્થિતિ નિહાળનાર અશોકભાઈ પણ બ્રિજની હાલત જોઈ ચોંકી ઉઠ્યા હતા. તેમણે કામગીરી સામે અનેક સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, જો ભવિષ્યમાં અહીં મોટી દુર્ઘટના સર્જાય અને નિર્દોષ લોકોના જીવ જાય તો તેની જવાબદારી કોણ લેશે? તંત્ર કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યું છે કે શું?
બે વર્ષ નથી થયા નેશનલ હાઇવે પુલને ખુલ્લો મુકાયો
સામતેર ગામના સરપંચ લખમણભાઈ જાદવે સ્થળનું નિરીક્ષણ કરી જણાવ્યું હતું કે, આ બ્રિજને ખુલ્લો મૂક્યાને હજુ આશરે બે વર્ષ જેટલો જ સમય થયો છે, ત્યારે જ બ્રિજના એક ભાગમાં તૂટફૂટ અને ભંગાણની સ્થિતિ સર્જાઈ છે. નેશનલ હાઇવે પર આવેલો બ્રિજ વાહનોની અવરજવરથી ધ્રૂજી રહ્યો હોય તેવી સ્થિતિ ગંભીર ચિંતાનો વિષય છે. જવાબદાર એજન્સી દ્વારા તાત્કાલિક ટેકનિકલ સર્વે કરવામાં નહીં આવે તો ભવિષ્ય માં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે.
રથયાત્રા સાથે પસાર થતા હિંમતભાઈ દાગોડરાએ પણ વ્યક્ત કરી ચિંતા
બ્રિજ પરથી રથયાત્રા લઈને પસાર થતા હિંમતભાઈ દાગોડરાએ જણાવ્યું હતું કે, હાલની સ્થિતિમાં આ બ્રિજ પરથી વાહન ચલાવવું જોખમી બની રહ્યું છે. માર્ગનો એક ભાગ અલગ પડી ગયો છે અને બ્રિજનો ભાગ હલતો હોવાની સ્થિતિ માનવજીવન માટે ગંભીર ખતરો બની શકે છે. તંત્રએ કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોવાને બદલે તાત્કાલિક પગલાં ભરવા જોઈએ.
