અખબારી અહેવાલ બાદ હરકતમાં આવ્યું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ
રાજ્ય સરકારે એનાલોગ પનીર, બટર અને ચીઝ જેવા પ્રતિબંધિત ડેરી ઉત્પાદનોના વેચાણ સામે કડક કાર્યવાહી કરવાની સૂચના આપ્યા બાદ અને આ મુદ્દે અખબારી અહેવાલ પ્રકાશિત થતાં અમરેલીનું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ હરકતમાં આવ્યું છે. આ વિભાગની ટીમે શહેરના ડો. જીવરાજ મહેતા ચોક વિસ્તારમાં આવેલી વિવિધ ડેરી અને મીઠાઈની દુકાનોમાં અચાનક તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન નીલકંઠ વર્ણી પાર્લર, ઓમ સ્વીટ, મુરલીધર ડેરી, શ્યામ ડેરી, વૃંદાવન ડેરી, ગોપાલ ડેરી તથા શ્રીજી ડેરી ફાર્મ સહિતની દુકાનોમાં પનીર, ચીઝ, બટર સહિતના ડેરી ઉત્પાદનોની ચકાસણી કરવામાં આવી હતી. અધિકારીઓએ વેચાણમાં રહેલા ઉત્પાદનોની તપાસ કરી અને જરૂરી વિગતો મેળવી હતી. ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના જણાવ્યા મુજબ પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ અથવા પ્રતિબંધિત એનાલોગ પનીર કે અન્ય ડેરી ઉત્પાદન મળી આવ્યું નથી. તેમ છતાં વિભાગ દ્વારા નિયમિત દેખરેખ ચાલુ રાખવામાં આવશે. અને જરૂર જણાય ત્યાં નમૂનાઓ લઈને લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવશે. અચાનક હાથ ધરાયેલી કાર્યવાહીથી વેપારીઓમાં ફફડાટનો માહોલ જોવા મળ્યો હતો. ગ્રાહકોમાં પણ ડેરી ઉત્પાદનોની ગુણવત્તા અંગે ચર્ચા જાગી છે. હવે પ્રશ્ન એ છે કે, શું ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ આગામી દિવસોમાં માત્ર શહેર જ નહીં પરંતુ સમગ્ર અમરેલી જિલ્લામાં પણ એનાલોગ ડેરી ઉત્પાદનો સામે વિશેષ તપાસ અભિયાન ચલાવશે? આ અંગે વેપારીઓ અને ગ્રાહકોની નજર વિભાગની આગામી કાર્યવાહી પર મંડાયેલી છે.
