પ્રાથમિક શાળાની ત્રણ દિકરીઓના તળાવમાં ડૂબી જતાં મોત થતા સહાય આપી
શકરપુર પ્રાથમિક શાળાની એક સાથે ત્રણ દીકરીઓ રીના, ઈશા અને પ્રિયા તળાવમાં ડૂબી મૃત્યુ થયાનું દુ:ખ પિતા અશ્વિનભાઈ બારૈયા અને તેમના પરિવાર માટે અત્યંત કરુણ અને અપૂરણીય છે. દીકરીઓ ગુમાવવાનું દુ:ખ એવું છે કે જેને કોઈ રકમથી માપી શકાય નહીં અને કોઈ શબ્દોથી વ્યક્ત કરી શકાય નહીં. દીકરીઓ પાછી આવી શકે તેમ નથી તેમનું ખાલીપણું કોઈ ભરી શકે તેમ નથી આ પરિવારની આંખોના આંસુ જોઈને હૃદય દ્રવી ઊઠે છે.
આવા અતિ કપરા સમયે પૂજ્ય મોરારીબાપુ ચિત્રકૂટ ધામ તલગાજરડા તાલુકો : મહુવા, જિલ્લો : ભાવનગરના પ્રતિનિધિ દ્વારા શિક્ષક દિન જેવા પવિત્ર દિવસે ત્રણેય દીકરીઓના પરિવારને રૂ. 45,000ની આર્થિક સહાય કરવામાં આવી છે. આ માત્ર આર્થિક મદદ નથી-આ દુ:ખની ઘડીમાં એક સંવેદનશીલ હૃદયનો પરિવારની પડખે ઊભા રહેવાનો સંદેશ છે.
મોરારીબાપુએ સહાય કરીને માત્ર પરિવારને પૈસા આપ્યા નથી, પરંતુ સમાજને એ શીખવ્યું છે કે કોઈના દુ:ખમાં સાથે ઊભા રહેવું એ જ સાચી માનવતા છે. દીકરીઓ ગુમાવનાર પરિવારજનોને આ અસહ્ય દુ:ખ સહન કરવાની શક્તિ મળે તેવી ઈશ્વરને પ્રાર્થના કરી હતી.
પૂજ્ય મોરારીબાપુના કરુણાસભર હૃદયમાંથી વહેતી માનવતાની આ ધારા અવિરત વહેતી રહે અને સમાજના જરૂરિયાતમંદ લોકો સુધી સહાય, સંવેદના, સહકાર અને આશાનો પ્રકાશ પહોંચાડતી રહે તેમજ ઈશ્વર પૂજ્ય મોરારીબાપુને દીર્ઘાયુષ્ય, સ્વસ્થતા અને શક્તિ આપે, જેથી તેઓ ભવિષ્યમાં પણ આવા અનેક ઉત્તમ અને સેવાકીય કાર્યો દ્વારા માનવતાની સુગંધ ફેલાવતા રહે.
