ગેસ રિફ્લીંગ થયા બાદ છૂટા પૈસા આપવા બાબતે માથાકુટ સર્જાઈ
ભાણવડના મોટા કાલાવડ ગામે ગેસ રિફ્લીંગ બાદ છૂટા પૈસા આપવા બાબતે માથાકુટ થતા પેટ્રોલ પંપ બંધ કરાવી દેવાનું કહી ત્રણે યુવાને ધમકી આપતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
ભાણવડ તાલુકાના મોટા કાલાવડ ગામે રહેતા અને એક પેટ્રોલ પંપમાં ગેસ રિફિલિંગનું કામ કરતા પિયુષભાઈ લખમણભાઈ કનારા નામના 22 વર્ષના યુવાન સાથે ગેસ રિફિલિંગ થઈ ગયા બાદ છુટા પૈસા બાબતે બોલાચાલી કરી, વાનાવડ ગામના પૃથ્વીરાજસિંહ ઉર્ફે પિન્ટુ કિશોરસિંહ જાડેજા અને ગિરિરાજસિંહ કિશોરસિંહ જાડેજા તથા અન્ય એક અજાણ્યા શખ્સએ ફડાકા ઝીંકી, સાહેદ જયરાજભાઈ તેમજ ફરિયાદી પિયુષભાઈને “આ તમારો પેટ્રોલ પંપ બંધ કરી દેજો નહિતર જાનથી મારી નાંખીશું” તેવી ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
પ્રતિબંધિત વિસ્તારમાં ડ્રોન ઉડાવતા મુંબઈના શખ્સ સામે કાર્યવાહી
દ્વારકા નજીકના ભડકેશ્વર મંદિર પાસે હાલ ડ્રોન ઉડાવવા સામે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું અમલમાં હોવા છતાં મુંબઈના પાખરી લેન વિસ્તારમાં રહેતા પ્રણવભાઈ રવિન્દ્રભાઈ વરલીકર (ઉ.વ. 33) ને પોલીસે રિમોટ કંટ્રોલ વડે ડ્રોન ઉડાવતા ઝડપી લઈ, તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી હતી.
સલાયા નજીક બાઈક અકસ્માતમાં પ્રૌઢને ઈજા
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે પુરઝડપે અને બેફિકરાઈપૂર્વક આવી રહેલા જી.જે. 37 ડી. 9785 નંબરના મોટરસાયકલના ચાલકે પરોડીયા ગામના રહીશ ભીખાભાઈ સામતભાઈ ગઢવી (ઉ.વ. 55) ને પાછળથી અડફેટે લેતા તેમને ફ્રેક્ચર સહિતની ઈજાઓ સાથે હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી હતી. આ અકસ્માત સર્જીને આરોપી મોટરસાયકલ ચાલક નાસી છૂટ્યો હોવાનું જાહેર થયું છે. જે અંગે સલાયા મરીન પોલીસે ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.
દ્વારકાધીશ મંદિર નજીક મહિલાના પર્સની ચોરી
દ્વારકાના ટી.વી. સ્ટેશન વિસ્તારમાં રહેતા દિપાલીબેન મનસુખભાઈ મોયડા નામના 31 વર્ષના મહિલા જન્માષ્ટમીના દિને દ્વારકાધીશ મંદિરના ગેઈટ નંબર 2 પાસેથી જઈ રહ્યા હતા, ત્યારે તેમની પાસે રહેલું રૂ. 11,000 ની રોકડ રકમ તથા અન્ય જરૂરી દસ્તાવેજો સાથેનું પર્સ કોઈ તસ્કર ચોરી કરીને લઈ ગયા હોવાનો બનાવ દ્વારકા પોલીસમાં નોંધાયો છે.
જામગરી બંદૂક સાથે ઝડપાયો
ખંભાળિયાના કુંભાર પાડો વિસ્તારમાં રહેતા પ્રવીણગીરી મગનગીરી મેઘનાથી નામના 37 વર્ષના બાવાજી શખ્સને એસ.ઓ.જી. પોલીસે પાસ પરવાના વગર રૂ. 1,500 ની કિંમતની જામગરી બંદૂક સાથે ઝડપી લઈ, તેની સામે હથિયારધારાની કલમ હેઠળ કાર્યવાહી કરી હતી.
