પડધરીના દહિંસરડા (આજી) ગામના ચેકડેમમાં શનિવારે સાંજે ચાર તરૂણનો ન્હાવા પડ્યા હતા, જેમાં ડૂબી જવાથી ચારેય તરૂણના મોત નિપજ્યા હતા, એક સાથે ચાર ચાર તરૂણના ડૂબી જવાથી મૃત્યુંની ઘટનાથી નાના એવા દહિંસરડા ગામમાં ગમગીની છવાઇ ગઇ હતી.
દહિંસરડા ગામમાં સાતમ આઠમના તહેવારો નિમિતે બહેનો-ભાણેજો અને ગામ છોડીને અલગ અલગ શહેરોમાં ગયેલા લોકો તહેવાર કરવા આવ્યા હતા, ત્રણ દિવસથી ગામમાં તહેવારની ખુશી દરેકના ચહેરા પર દેખાતી હતી.
શનિવારે સાંજે ચાર બાળકો ધ્રોલનો વંશીત વિજયભાઇ ખંભાયતા (ઉ.વ.15) દહિંસરડાનો ધ્યેય મનિષભાઇ ઘમાસણા (ઉ.વ.14), દિપ ગંગારામભાઇ રાજપરા (ઉ.વ.14) અને દહિંસરડાનો જ વતની અને રાજકોટની જનકપુરી સોસાયટીમાં રહેતો વાસુ યોગેશભાઇ સવસાણી (ઉ.વ.12) લાંબા સમયથી જોવા નહી મળતાં ગ્રામજનોએ તેની શોધખોળ શરૂ કરી હતી.
ગ્રામજનો ગામની ભાગોળે આવેલા પાટ હનુમાન મંદિર પાછળના ચેકડેમ પાંસે પહોંચ્યા ત્યારે ચાર બાળકોના કપડા અને ચપ્પલ ડેમના કાંઠે જોવા મળ્યા હતા, ગ્રામજનોએ હાંકલા પડકારા કર્યા પરંતુ આસપાસમાંથી કોઇ પ્રત્યુતર નહી મળતાં બાળકો ડેમમાં ન્હાવા પડ્યા હશે અને તે ડૂબી ગયાની શંકાએ ગામના તરવૈૈયાઓએ ડેમમાં ઝંપલાવ્યું હતું. ડેમના ઉંડાપાણી ડખોળતા જ થોડા થોડા અંતરે થી વંશીત, ધ્યેય, વાસુ અને દિપના મૃતદેહ પાણીમાંથી મળી આવ્યા હતા.
બનાવ અંગે ગામના સરપંચ મંજુલાબેનના પતિ અને આગેવાન ગોરધનભાઇ પનારાએ જણાવ્યું હતું કે, તહેવાર નિમિતે દરેક ઘરે મહેમાનો આવ્યા હતા, જેમાં ધ્રોલ રહેતો વંશીત ખંભાયતા તેની માતા સાથે અને રાજકોટ રહેતો દહિંસરડાનો જ વતની વાસુ તેના પરિવાર સાથે ગામમાં આવ્યો હતો, ચારેય બાળકો બપોરે એકઠા જોવા મળ્યા હતા,
જોકે એકાદ કલાક બાદ તેઓ જોવા નહી મળતાં પરિવારજનોએ શોધખોળ આદરી હતી અને અંતે ચારેયના મૃતદેહ ચેકડેમમાંથી મળી આવ્યા હતા. ધ્યેય અને દિપ પરિવારના એકના એક પુત્ર હતા. ઘટનાને પગલે પડધરી પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને ચારેય બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
