નુડલ્સ, મંચુરીયન, છોલે, ખમણ, બ્રેડ સહિત સામાનનો નાશ કરવામાં આવ્યો
પોરબંદરના મેળામાં દસ જગ્યાએથી 110 કિલો અખાધ્ય વાનગીઓ જપ્ત થઇ હતી. નુડલ્સ, મંચુરીયન, છોલે, ખમણ, બ્રેડ સહિત સામાનનો નાશ કરવામાં આવ્યો હતો.
પોરબંદરના ચોપાટી મેદાન ખાતે મહાનગરપાલિકા દ્વારા શ્રીકૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળો-2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. મેળામાં આવતા નાગરિકોને સ્વચ્છ, ગુણવત્તાયુક્ત અને સલામત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે મહાનગરપાલિકાની ફૂડ સેફ્ટી ટીમ તથા ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ દ્વારા મેળા ગ્રાઉન્ડ ખાતે ખાણીપીણીના સ્ટોલ, ફૂડ ફેસ્ટિવલના સ્ટોલ તેમજ લારીઓમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેકિંગ દરમિયાન વાસી, ખુલ્લા તેમજ આરોગ્ય માટે અયોગ્ય જણાયેલા વિવિધ ખાદ્યપદાર્થો અને કાચી ખાદ્યસામગ્રી મળી આવતા કુલ 10 સ્ટીલના સ્થળોએથી આશરે 110 કિલો જેટલો જથ્થો જપ્ત કરી સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. જપ્ત કરાયેલા જથ્થામાં ચીટસ, ખીચડી, છોલેચણા, શાકભાજી, નૂડલ્સ, ખમણ, મંચુરિયન, બ્રેડ, પાવ, વટાણા, લીંબુ, ડુંગળી, ટમેટા, તરબૂચ, અનાનસ, ચણા-બટેટા વગેરે ખાદ્યસામગ્રીનો સમાવેશ થાય છે. ફૂડ સેફ્ટી ટીમ દ્વારા સ્ટોલ સંચાલકોને ખાદ્યપદાર્થોની સ્વચ્છતા જાળવવા, ખાદ્યસામગ્રી ઢાંકીને રાખવા, કાચી અને તૈયાર ખાદ્યસામગ્રી અલગ રાખવા તેમજ વાસી કે આરોગ્ય માટે અયોગ્ય ખાદ્યસામગ્રીનો ઉપયોગ ન કરવા અંગે જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.
વાસી ખોરાકની અનેક ધંધાર્થીઓએ કરી હેટ્રીક !
સતત ત્રીજા દિવસે મનપાએ કરેલી કાર્યવાહીમાં અનેક ધંધાર્થીઓએ હેટ્રીક કરી ેછે અને સતત ત્રીજા દિવસે તેમની પાસેથી વાસી જથ્થો કબ્જે થયો છે જેમા દુધેશ્ર્વર સખી મંડળના કનૈયા ફરસાણમાથી 3 કિલો બટેટા અને પાવ, રવિરાજ પાવભાજીમાંથી 7 કિલો બટેટા, ભાજી શાક, ડુંગળી-ટમેટા, પટેલ પાવભાજીમાંથી 2 કિલો નુડલ્સ અને મંચુરીયન, ચામુંડા પાવભાજીમાંથી 2 કિલો બાફેલા બટેટા, ચામુંડા કેટરર્સમાંથી 10 કિલો ભાત, સલાડ, શાક અને લોટ, આશાપુરા ફૂડ ફેસ્ટીવલમાંથી 40 કિલો બીરીયાની, ખમણ, ટમેટા, નુડલ્સ, લોટ, ભાત બટેટા અને પંજાબી શાક, જલ્યાણ ફૂડ ફેસ્ટીવલમાંથી 10 કિલો શાકભાજી, ડુંગળી,રીંગણા, અને 6 કિલો ચીપ્સ અને પાવભાજી, રાજધાની ભુંગળા બટેટામાથી 10 કિલો બાફેલા બટેટા અને રજવાડી પાવભાજીમાંથી મંચુરીયન, રાજધાની ફ્રૂટ ડીસમાંથી 5 કિલો તરબુચ, અનાનસ, ચણાબટેટા, પાવ અને રામ ઔર શ્યામ ગોલા અને ફ્રૂટ ડીસમાંથી 15 કિલો તરબુચ, બેટા અને પાવ સહિત કુલ 110 કિલો વાસી ખોરાકનો જથ્થો કબ્જે થયો હતો.
