છ ગૌશાળાના સંચાલકોએ કલેકટર, મામલતદારને આવેદન પત્ર પાઠવ્યું
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આ વર્ષે ખૂબ જ નહીવત પ્રમાણમાં વરસાદ વરસ્યો છે. જેના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખાસ કરીને લીલા અને સૂકા ચારા તથા અન્ય વિવિધ પ્રકારનું વાવેતર પ્રભાવિત થયું છે. આ પરિસ્થિતિમાં ખાસ તો ઘાસચારા ઉપર નભતા પશુઓ વિકટ પરિસ્થિતિમાં મુકાઈ ગયા છે. હાલ સૂકા ઘાસચારાની વ્યાપક અછત વચ્ચે માલધારીઓ તેમજ ખેડૂતો પોતાના ઢોરનો નિભાવ કરવા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. આ પરિસ્થિતિમાં અનેક લોકો પોતાના ગૌવંશને રઝળતા મૂકી દયે છે. હાલ જિલ્લામાં અનેક ગૌશાળા અને પાંજરાપોળ સેવારત છે. ત્યારે આ ગૌશાળા અને પાંજરાપોળની પરિસ્થિતિ પણ વિકટ બની રહી છે. જે બાબતને ધ્યાને લઈ અને સરકાર દ્વારા ગૌશાળા અને પાંજરાપોળમાં તાત્કાલિક ધોરણે સુકા ઘાસચારાની ફાળવણી કરવામાં આવે તે માટે સ્થાનિક તંત્રને સંચાલકો દ્વારા લેખિત રજૂઆતો કરવામાં આવી છે. ખંભાળિયામાં આવેલી વિશાળ એવી હાલારી વિશા ઓશવાળ સાર્વજનિક પાંજરાપોળ, હરજીવન નરોતમદાસ પાંજરાપોળ, દ્વારકાધીશ ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ, એનીમલ કેર ચેરીટેબલ ટ્રસ્ટ, સલાયા ગૌશાળા પાંજરાપોળ વિગેરેના સંચાલકોએ અહીંના મામલતદાર, પશુ ચિકિત્સક નિયામક, જિલ્લા કલેકટર વિગેરેને એક લેખિત પત્ર પાઠવી, હાલની પરિસ્થિતિમાં પશુઓના હિતને ધ્યાનમાં લઈને સરકારની ઉપલબ્ધ રાહત મુજબ સૂકો ઘાસચારો અને જરૂરી પશુ સહાય તાત્કાલિક ફાળવવામાં આવે તેવી રજૂઆત કરી છે.
