સલાયા નગરપાલિકા દ્વારા 2.22 કરોડના બાકી વેરાની કડક ઉઘરાણી

જુદા-જુદા વિસ્તારોમાં ટીમ બનાવી કલેકશન કરાશે

સલાયા નગર પાલિકામાં હમણાં ચીફ ઓફિસર તરીકે નાયબ મામલતદાર વિજયકુમાર સોલંકીની નિમણૂક સરકાર દ્વારા કરવામાં આવેલ છે. સલાયાના પ્રાણ પ્રશ્ન સફાઈ તેમજ અટકેલા વિકાસ કાર્યો માટે ચીફ ઓફિસર દ્વારા એકશન પ્લાન બનાવાયો છે. જે અનુસંધાને સૌ પ્રથમ નગરપાલિકાનો બાકી નીકળતો વેરો લેવા પ્લાન ઘડવામાં આવ્યો છે.
હાલમાં નગરપાલિકાના સ્વભંડોળ ખુબજ ઓછું છે. તેથી જો બાકી વેરાની રકમ આવશે તો વધુ સફાઈ કામદારોને કામે રાખી સફાઈ ઝુંબેશમાં પણ વધારો કરવામાં આવશે.તેમજ વાહનો જે બંધ પડ્યા છે તેને પણ જરૂરી રિપેર કરાવી અને સફાઈ કામ માટે ઉપયોગમાં લેવાશે.આમ બાકી વેરો તુરંત ભરવા ચીફ ઓફિસરે ગ્રામજનોને તાકીદ કરી છે. જેમાં જુદા જુદા સ્થળેથી જાહેર એલાન તેમજ જુદા જુદા વિસ્તારોમાં જાહેર નોટિસો મારવામાં આવી છે. અને કડક સૂચના અપાઈ છે જો નિયત સમય મર્યાદામાં બાકી વેરા નહીં ભરાઈ તો નિયમોનુસાર કડક કાર્યવાહી કરવામાં આવશે.
ટૂંક સમયમાં જુદી જુદી ટીમો બનાવી અને જુદાજુદા વિસ્તારોમાં બાકી લેણા માટે નગરપાલિકા સ્ટાફ જસે અને એમનો વેરો ભરવા જણાવશે.ગ્રામજનોને પણ આ તકે તાકીદ કરાઈ છે કે બાકી લહેણુ સમયસર ભરી જાય.
સલાયા નગરપાલિકાનો ચાલુ નાણાકીય વર્ષ મુજબ આજ દિવસ સુધીનો બાકી વેરો રૂપિયા 2,21,82951/- ( બે કરોડ એકવીસ લાખ બીયાસી હજાર નવસો એકાવન) રૂપિયા થાય છે. આટલી માતબર રકમ બાકી નીકળતી હોય નગર પાલીકાના સ્વભંડોળમાં ખૂબ મોટો ઘટાડો જણાઈ રહ્યો છે. આ બાકી રકમની જો ભરપાઈ થાય તો નગરપાલિકા પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં નવા વાહનો અને કર્મચારીઓને લગાડી શકે જેથી સફાઈ અને સ્ટ્રીટ લાઈટો તેમજ અન્ય કામોમાં ઝડપ થઈ શકે એમ છે.

રિલેટેડ ન્યૂઝ