ઓનલાઈન ગેમમાં દેણુ વધી જતા યુવાનનો ઝેરી દવા પી આપઘાત

હળવદના ધણાંદ ગામનો બનાવ; પોલીસે મૃતદેહનો કબજો સંભાળી કાર્યવાહી હાથ ધરી

આજના સમયમાં યુવાનોમાં ઓનલાઈન ગેમ રમવાનો ક્રેઝ જીવલેણ સાબિત થઈ રહ્યો છે. ટૂંકા ગાળામાં પૈસા કમાવવાની લાલચમાં દેવાદાર બની જતાં અનેક પરિવારોના માળા વિખેરાઈ રહ્યા છે. તેવામાં આવો જ એક કરુણ બનાવ હળવદના ઘણાંદ ગામે સામે આવ્યો છે.
હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ, ઘણાંદ ગામે રહેતા ઘનશ્યામભાઈ નાનજીભાઈ સોલંકી (ઉ.વ. 31) ઓનલાઈન ગેમ રમતા હતા, જેમાં પૈસા હારી જતાં તેમના માથે મોટું દેણું થઈ ગયું હતું. આર્થિક ભીંસથી કંટાળીને તેમણે ગત તા. 9 ના રોજ પોતાના ઘરે ઝેરી દવા પી લીધી હતી. ત્યારબાદ તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું.
આ બનાવ અંગે મૃતકના પિતા નાનજીભાઈ સોલંકીએ પોલીસને જાણ કરતા હળવદ પોલીસે અકસ્માતે મોત અંગે નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે.ઓનલાઈન ગેમિંગની લત આજે અનેક યુવાનોના જીવનને બરબાદ કરી રહી છે. વાલીઓએ પોતાના સંતાનો પર ધ્યાન રાખવું અત્યંત જરૂરી બન્યું છે.

રિલેટેડ ન્યૂઝ