લાઠી પાસે ટ્રેનના એન્જિન નીચે ફસાયેલ વિદ્યાર્થી માટે એસ.ટી. બસ ચાલક દેવદૂત બન્યો


ગરમ એન્જીન નીચે ફસાયેલા છાત્રને મહા મહેનતે બહાર કાઢયો: વિદ્યાર્થી આપઘાત કરવા કે અકસ્માતે ટ્રેન નીચે ફસાયો હતો તેને લઈને પ્રશ્ર્નો

અમરેલી જિલ્લાના લાઠી નજીક કોઈ કારણોસર એક વિદ્યાર્થી ટ્રેનના એન્જિન નીચે ફસાઈ ગયો હતો. આ ઘટનાને પગલે ટ્રેન થંભી ગઈ હતી. ટ્રેનના ગરમ એન્જિનને કારણે વિદ્યાર્થીને બહાર કાઢવામાં મુશ્કેલી સર્જાઈ હતી. આવા મુશ્કેલ સંજોગોમાં ઢસાથી લાઠી તરફ આવી રહેલી એસ.ટી.બસના ડ્રાઈવર રફિક ગાગદાણીએ માનવતાની મહેક પ્રસરાવી વિદ્યાર્થીને ટ્રેન નીચેથી બહાર કાઢી તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં મદદ કરી હતી. ડ્રાઈવરની સમયસૂચકતા અને માનવતાભર્યા પ્રયાસોથી વિદ્યાર્થીનો જીવ બચવાની આશાઓ ઉજ્જવળ બની છે.
આ બનાવમાં પ્રાપ્ત વિગતો અનુસાર, લાઠી નજીક રેલવે ફાટક પાસે એક વિદ્યાર્થી કોઈ કારણોસર ટ્રેન નીચે આવી જતાં ચાલકે ટ્રેન તો થોભવી દીધી હતી. પરંતુ ટ્રેનના એન્જિન નીચે વિદ્યાર્થી ફસાય ગયો હતો. બીજી તરફ, ટ્રેનનું એન્જિન ગરમ હોવાને કારણે વિદ્યાર્થીને સુરક્ષિત રીતે બહાર કાઢવો મુશ્કેલ બન્યો હતો.
આવી વિકટ પરિસ્થિતિમાં ઢસાથી લાઠી તરફ એસ.ટી.બસ લઈને આવી રહેલા ડ્રાઈવર રફિક ગાગદાણી વિદ્યાર્થીની મદદે દોડી આવ્યા હતા. તેમણે માનવતાને પ્રાધાન્ય આપી વિદ્યાર્થીને ટ્રેન નીચેથી મહા મુસીબતે બહાર કાઢ્યો હતો અને સારવાર માટે ખસેડવાની વ્યવસ્થા કરી હતી.
આ ઘટનામાં વિદ્યાર્થીને માથાના ભાગે ઈજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. તેને પ્રથમ લાઠી ખાતે સારવાર માટે લઈ જવાયો હતો. ત્યારબાદ વધુ સારવાર માટે અમરેલી અને ત્યાંથી રાજકોટ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ટ્રેનના એન્જિન નીચે ફસાયેલા વિદ્યાર્થી માટે એસટી બસના ડ્રાઈવર રફિક ગાગદાણીની મદદ આશાનું કિરણ બની હતી. મુશ્કેલીના સમયે તેમણે દાખવેલી માનવતા અને સમયસૂચકતાએ વિદ્યાર્થીના પરિવારની આશાઓ જીવંત રાખી છે. ફરજની સાથે માનવતાને પણ પ્રાધાન્ય આપતા એસટી બસના ડ્રાઈવરના આ પ્રયાસની સરાહના થઈ રહી છે.
આ વિદ્યાર્થી આપઘાત કરવા કે અકસ્માતે ટ્રેન નીચે આવી ગયો હતો ?તે અંગે રેલવે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

રિલેટેડ ન્યૂઝ