માલવણ ગામ પાસે ડ્રાઈવર-કંડક્ટરની સમય સુચકતાથી બસનો અકસ્માત અટક્યો

બસનું વ્હીલ ખાડામાં ફસાઈ જતાં યાત્રીઓને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા

અમરેલી તાલુકાના માલવણ ગામ નજીક આજે મુસાફરોથી ભરેલી એક એસ.ટી.નો સહેજમાં અકસ્માત થતા અટક્યો હતો. એસ.ટી. બસની મોટી દુર્ઘટના સર્જાતી ટળી હતી. જયારે ડ્રાઈવર કંડક્ટરની સમયસૂચકતા અને સ્થાનિકોની મદદથી બસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવતા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ બગસરા એસ.ટી. ડેપોની બગસરા-અમરેલી રૂટ પર દોડતી મુસાફર ભરેલી એક એસ.ટી. બસ આજે માલવણ ગામ નજીક આવેલા પુલ પરથી પસાર થઈ રહી હતી. દરમિયાન જર્જરિત હાલતમાં રહેલા પુલની બાજુનો માટીનો પાળો અચાનક ધસી પડતા બસનું એક વ્હીલ રોડ સાઇડના ખાડામાં ફસાઈ ગયું હતું. પરિણામે બસ ત્રણ વ્હીલ પર આવી જતાં મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
પરિસ્થિતિની ગંભીરતા સમજી બસના ડ્રાઈવરે સમય સૂચકતા દાખવી તરત જ બસને રોકી દઈ અને બસમાં બેઠેલા તમામ મુસાફરોને સલામત રીતે નીચે ઉતારી દીધા હતા. આ બનાવની જાણ થતા જ માલવણ ગામના સરપંચ સહિત સ્થાનિક લોકો બનાવ સ્થળે દોડી આવ્યા હતા. અને જે.સી.બી. મશીનની મદદથી બસના ફસાયેલા વ્હીલને ટેકો આપવામાં આવ્યો હતો. ભારે જહેમત બાદ બસને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં સફળતા મળી હતી. આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઇજાની થવાની ઘટના બની ના હોતી, જેના કારણે મુસાફરો અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો હતો. જોકે જર્જરિત પુલ અને તેની બાજુના ધસી પડતા પાળાને લઈને સ્થાનિકોમાં ચિંતા વ્યાપી છે. સ્થાનિકોએ સંબંધિત તંત્રને પુલની તાત્કાલિક મરામત અને સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવાની માંગ કરી છે.

રિલેટેડ ન્યૂઝ