અમરેલીના રબારીકા ગામનો અજબ ગજબ બનાવ અજબ, ગોદડુ ખેંચાતા વૃધ્ધે જાગીને જોયું તો સામે સિંહ; ગજબ, હાકલા, પડકારાથી સાવજ ભાગ્યો !


સદ્ભાગ્યે સિંહ કોઈ જાનહાની કર્યા વિના નાશી છૂટયો

અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રબારીકા ગામમાં ગઈકાલે મોડી રાત્રે એક સિંહ રહેણાંક મકાનમાં પહોંચી જતાં ખોબા જેવડા ગામમાં ભારે ચકચાર મચી હતી. રબારીકા ગામમાં પોતાના ઘરના ફળિયામાં સૂતેલા એક વૃદ્ધ રવજીભાઈ સેંજલિયાનું ગોદડું સિંહે ખેંચતાં તેઓ જાગી ગયા હતા. ત્યારબાદ તેમણે હાકલા-પડકારા કરતાં સિંહ નાસી ગયો હતો. સમગ્ર ઘટનામાં વૃદ્ધનો આબાદ બચાવ થયો હોવાનું વનવિભાગે જણાવ્યું છે.
આ બનાવમાં મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના રબારિકા ગામમાં સિંહ માનવ વસાહત સુધી પહોંચી જવાની વધુ એક ઘટના સામે આવી છે. ખાંભા તાલુકાના રબારીકા ગામમાં ગઈકાલે મોડી રાત્રે ગામના રહેવાસી રવજીભાઈ સેંજલિયા પોતાના રહેણાંક મકાનના ફળિયામાં ગોદડું ઓઢીને સૂતા હતા. તે દરમિયાન શિકારની શોધમાં આવેલ સિંહ રવજીભાઈ સેંજલિયાના મકાન સુધી પહોંચી ગયો હતો. પોતાના ઘરમાં સૂતેલા રવજીભાઈનું ગોદડું સિંહે ખેંચતાં તેઓ અચાનક જાગી ગયા હતા. જાગતાની સાથે જ તેમણે ડરના કારણે જોરજોરથી હાકલા-પડકારા કર્યા હતા. અવાજ સાંભળતાં સિંહ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. સદનસીબે સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા થઈ નથી. જો કે રહેણાંક મકાન સુધી સિંહ પહોંચી જતાં ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. ઘટનાની જાણ થતાં વનવિભાગની ટીમે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. વનવિભાગે મીડિયાને આપેલી માહિતી મુજબ સિંહ શિકારની શોધમાં ગામની સીમમાં આવી ચડ્યો હતો અને સમયસર વૃદ્ધ જાગી જતાં સંભવિત હુમલો ટળી ગયો હતો.

રિલેટેડ ન્યૂઝ