ગીર સોમનાથ જિલ્લામાં ચાંદીપુરા વાયરસ સામે તંત્ર સજજ

15 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં તાવ, ઝાડા-ઉલ્ટી, આંચકી જેવા લક્ષણો દેખાય તો નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર ની મદદ લેવી

ગીર સોમનાથ જિલ્લામાં કોઈપણ બાળકને તીવ્ર તાવ સાથે બેભાન થવું, વારંવાર આંચકી આવવી (ખેંચ), વધુ ઊંઘ આવવી અથવા બાળકનો પ્રતિભાવ ઓછો થવો જેવા લક્ષણો જોવા મળે તો તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્ર અથવા હોસ્પિટલમાં સારવાર લેવા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.આ સાથે જ 15 વર્ષથી નાની ઉંમરના બાળકોમાં તાવ, ઉલટી, ઝાડા, આંચકી તથા બેભાન થઈ જાય જેવા લક્ષણો જોવા મળે તો પીડિયાટ્રિશ્યન સિવાય કોઈપણ લોકલ ડોક્ટરની સારવાર ન લેવા અપીલ કરવામાં આવી છે.ચાંદીપુરા વાયરસના રોગચાળાના અટકાયતી પગલા લેવાના ભાગરુપે બાળકોને સંપૂર્ણ કપડાં પહેરાવો. ખાસ કરીને સાંજ અને રાત્રીના સમયે મચ્છર/રેતી માખી ના કરડવાથી બચાવો. ઘરની આસપાસ તથા પશુ શાળામાં સ્વચ્છતા જાળવો. ઘરની દીવાલો ની તિરાડો પૂરો તથા ભેજવાળા સ્થળો સાફ રાખો. મચ્છરદાની નો ઉપયોગ કરો. સોમનાથ જિલ્લા આરોગ્ય વિભાગ ટીમ દ્વારા જિલ્લાના વિવિધ વિસ્તારમાં દવા છંટકાવ, પાણી ભરેલી વસ્તુ નો નિકાલ તેમજ આરોગ્ય અંગે સજાગતા માટેનું માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે. જિલ્લાના કોઈપણ વિસ્તારમાં ચાંદીપુરા ના લક્ષણો જેવો એક પણ કેસ દેખાય તો તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્ર, 108 એમ્બ્યુલન્સ અથવા આશાનો સંપર્ક કરવા જણાવાયું છે.

રિલેટેડ ન્યૂઝ