ભાવનગરમાં 1984 બૂથમાંથી 528 સંવેદનશીલ અને 24 અતિ સંવેદનશીલ

જિલ્લા વહીવટી તંત્ર ચૂંટણી અધિકારી દ્વારા તૈયારી

આગામી રવિવાર તા. 26 એપ્રિલના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને અનુલક્ષીને ભાવનગર જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ આરંભી દેવામાં આવી છે. મતદાન પ્રક્રિયાને સુરક્ષિત અને શાંતિપૂર્ણ રીતે પાર પાડવા માટે તંત્ર દ્વારા ખાસ વ્યૂહરચના તૈયાર કરવામાં આવી છે, જેમાં સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથો પર સુરક્ષાનું વિશેષ આયોજન કરવામાં આવ્યું છે.
જિલ્લામાં કુલ 1984 બૂથ ફાળવાયા
ચૂંટણી પ્રક્રિયા માટે ભાવનગર જિલ્લામાં કુલ 1984 મતદાન બૂથ ફાળવવામાં આવ્યા છે. આ સમગ્ર મતદાન પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા તેનું વર્ગીકરણ કરવામાં આવ્યું છે. જેમાં 1684 પૈકી 528 બૂથ ’સંવેદનશીલ’ અને 24 બૂથ ’અતિ સંવેદનશીલ’ જાહેર કરવામાં આવ્યા છે.
નગરપાલિકા અને જિલ્લા પંચાયત માટે અલગ-અલગ આયોજન
ચૂંટણીની વિગતો મુજબ, ભાવનગર મહાનગરપાલિકાના 13 વોર્ડની બેઠકો માટે કુલ 445 બૂથ ઊભા કરવામાં આવ્યા છે, જેમાંથી 116 બૂથ સંવેદનશીલ છે. બીજી તરફ, જિલ્લા પંચાયત અને જિલ્લાની 10 તાલુકા પંચાયતો માટે 1368 બૂથ ફાળવવામાં આવ્યા છે, જેમાં 370 બૂથ સંવેદનશીલ અને 24 બૂથ અતિ સંવેદનશીલ તરીકે ઓળખવામાં આવ્યા છે.
સુરક્ષાનો ચુસ્ત બંદોબસ્ત
આ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો પર કોઈ પણ પ્રકારની અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસ અને સુરક્ષા તંત્ર દ્વારા સઘન બંદોબસ્ત ગોઠવવામાં આવશે. તંત્રના આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર, મુક્ત અને ન્યાયી મતદાન માટે તમામ જરૂરી પગલાં લેવામાં આવી રહ્યા છે. ભાવનગર મહાનગરપાલિકા ઉપરાંત સિહોર, પાલીતાણા, ગારિયાધાર, જેસર, તળાજા, મહુવા, ઉમરાળા, ભાવનગર (ગ્રામ્ય), વલભીપુર, ઘોઘા અને તાલુકા પંચાયતોમાં પણ મતદાન માટેની તમામ તૈયારીઓ પૂર્ણતાના આરે છે.

રિલેટેડ ન્યૂઝ