મોસ્કો-રશિયામાં આંતરરાષ્ટ્રીય મંચ પર ભાવનગરની કલાપથ સંસ્થા ગુંજવશે ગુજરાતનો સાંસ્કૃતિક લોક વારસો

વસુધૈવ કુટુંબકમની થીમ પર ભાતીગળ લોકસંસ્કૃતિને પ્રસ્તુત કરશે

રમતગમત, યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ જવાહર નહેરૂ કલ્ચરલ સેન્ટર (આઇ. સી. સી. આર.) મોસ્કો દ્વારા આયોજિત ભવ્ય ભારત ઉત્સવ કાર્યક્રમમાં ભાવનગરની સુપ્રસિદ્ધ કલાપથ સંસ્થાના 12 કલાકારો ગુજરાતની ભાતીગળ સંસ્કૃતિ, લોકકલાઓ અને ગૌરવશાળી વારસાને વિશ્વમંચ પર રજૂ કરવા જઈ રહ્યા છે.
આ પ્રતિષ્ઠિત કાર્યક્રમમાં કુશલ દીક્ષિત, પ્રો. ડો. મૃણાલ ભટ્ટ દીક્ષિત, ચંદ્રસિંહ ગોહિલ, અંકિત મકવાણા, નીરવ રાઠોડ, પાર્થ પંડ્યા, આયુષ દોશી, રુદ્રાંશ દીક્ષિત, નેહા મણિયાર, જાનકી મણિયાર, રિશિતા શાહ અને જીયા અજવાળિયા સહિતના કલાકારો ગુજરાત ગાથા નામની વિશેષ સાંસ્કૃતિક રજૂઆત દ્વારા ગુજરાતની લોકસંસ્કૃતિ, પરંપરા, લોકનૃત્યો અને ભારતીય એકતાનો સંદેશ વસુધૈવ કુટુંબકમ થીમ પર પ્રસ્તુત કરશે.
કાર્યક્રમમાં ગુજરાતની વિવિધ લોકકલાઓ, રંગબેરંગી વેશભૂષાઓ, સંગીત અને પરંપરાગત નૃત્યો દ્વારા ભારતની વૈવિધ્યસભર સંસ્કૃતિને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉજાગર કરવામાં આવશે. ભાવનગરના કલાકારો દ્વારા થનારી આ રજૂઆત માત્ર શહેર માટે જ નહીં પરંતુ સમગ્ર ગુજરાત માટે ગૌરવની ક્ષણ બની રહેશે. કલાપથ સંસ્થા દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી ભારતીય સંસ્કૃતિ અને ગુજરાતી લોકકલાના પ્રચાર, પ્રસાર અને સંવર્ધન માટે સતત કાર્ય કરવામાં આવી રહ્યું છે. રશિયામાં યોજાનાર ભારત ઉત્સવ માં મળેલી આ તક ભાવનગરના સાંસ્કૃતિક ક્ષેત્ર માટે વિશેષ સિદ્ધિ સમાન માનવામાં આવી રહી છે.

રિલેટેડ ન્યૂઝ