શિવકુંજ આશ્રમ અધેવાડા ભાવનગર ખાતે ખૂબ જ ભાવપૂર્વક ગુરુપૂર્ણિમાની ઉજવણી કરવામાં આવી હતી. સૌ ભક્તોએ પૂજ્ય સંત સીતારામ બાપુના આશીર્વાદ મેળવ્યા . સવારના પહોરમાં ભવનાથ મહાદેવ ભુરખીયા હનુમાનજી અને વિઘ્નહર્તા ગણેશજીના મંદિર પર ધ્વજારોહણ ની વિધિ બાદ સત્યનારાયણ ભગવાનની કથા પૂજા કરવામાં આવી વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ સુંદરકાંડ અને હનુમાન ચાલીસા થી ભક્તોએ વિશિષ્ટ ગુરુ પૂજા કરી હતી. ત્યારબાદ મહાપ્રસાદ લીધા પછી બપોરના ત્રણ કલાકે પોતાના સદગુરુ ના બાઢડા ગુરૂઆશ્રમે થી પધારીને પૂજ્ય સીતારામ બાપુએ સૌને ગુરુ દર્શન આપ્યા હતા .
આ પ્રસંગે પૂજ્ય સીતારામ બાપુએ આશિર્વાદ આપતાં જણાવેલ કે, શિક્ષાગુરૂ અનેક હોઈ શકે પણ દીક્ષા ગુરુ એક જ હોય છે. સદગુરૂ પારસમણી સમાન છે તેના સંત્સંગથી પામર મનુષ્ય પણ પવિત્ર અને મહાન બની શકે છે. જીવનમાં ગુરુ વિના પ્રભુપ્રાપ્તિ થતી નથી. ગુરૂ તત્વનું મુલ્ય કદી થઈ શકે નહીં અને ગુરૂના ઋણમાંથી કદી પણ છુટી શકાય નહી.
બાપુએ જણાવ્યું કે ગુરુકૃપા ડુંગર જેવડી મુશ્કેલીને દૂર કરી શકે છે. દરેક ક્ષેત્રમાં ગુરુની જરૂર છે પરંતુ જીવનો સમય પાકે ત્યારે ગુરુ મળે છે. કામ ક્રોધ અને લોભ એ ગુરુકૃપાથી શાંત કરી શકાય છે રામેશ્વરાનંદમયી માતાજી અને વરૂણાનંદમયી માતાજીએ ગુરુવાણીનો લાભ સ્તુતી અને સ્ત્રોત્રગાનથી સૌને આપ્યો હતો. તેમના દ્વારા સૌ પ્રથમ ગુરુ પૂજા પછી સૌએ ગુરુ વંદના કરી હતી તેમજ સાંજના શિવકુંજધામે શિવમહિમ્ન નો પાઠ , રામ સ્તુતિ અને હનુમાન ચાલીસા કરીને મહા આરતી કરી હતી.
