જાનથી મારી નાખવાની ધમકી; એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો
જામનગર શહેરના બાઈની વાડી વિસ્તારમાં એક મૂકબધિર અને દિવ્યાંગ યુવતી સાથે જાતીય સતામણી અને છેડછાડ થયાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે. એટલું જ નહીં, ઘટનાની જાણ થતાં યુવતીના ભાઈએ આરોપીને પકડવાનો પ્રયાસ કરતાં તેના પર પણ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.
આ અંગે સીટી “એ” ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ મુજબ બાઈની વાડી વિસ્તારમાં રહેતી 21 વર્ષીય મૂકબધિર અને દિવ્યાંગ યુવતી પોતાના ઘરે એકલી હતી, ત્યારે આરોપી રીજવાન ઉર્ફે ચિનો ગનીભાઈ ખીરા સુમરા તેના ઘરમાં ઘૂસી ગયો હતો. આરોપીએ યુવતી સાથે અશ્લીલ હરકતો કરી તેની જાતીય સતામણી કરી હતી. ફરિયાદ મુજબ યુવતીના કપડાં ફાડી નાખી તેની સાથે શારીરિક અડપલાં પણ કરવામાં આવ્યા હતા. ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે બાદમાં બીજી એક ઘટનામાં જ્યારે પીડિતા એક નાના બાળકને બાલમંદિરમાં મૂકવા જતી હતી, ત્યારે આરોપીએ જાહેરમાં તેનો હાથ પકડી ફરીથી અડપલાં કર્યા હતા અને ત્યાંથી નાસી ગયો હતો. સમગ્ર બનાવની જાણ થતાં પીડિતાનો ભાઈ આરોપીને શોધી રહ્યો હતો. દરમિયાન આરોપી સામે મળી જતાં તેને પકડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તે સમયે બંને વચ્ચે ઝપાઝપી સર્જાઈ હતી. જેમાં આરોપીએ ફરિયાદીને નખ વડે ઈજાઓ પહોંચાડી હતી. ઉપરાંત છરી કાઢી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. ફરિયાદી બચવા માટે ભાગતા આરોપીએ પાછળથી પથ્થરનો ઘા પણ કર્યો હોવાનું પોલીસ ફરિયાદમાં નોંધાયું છે. ફરિયાદમાં આરોપીએ પીડિત પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. આરોપી અને પીડિત પરિવાર એકબીજાને અગાઉથી ઓળખતા હોવા છતાં પીડિતા અનુસૂચિત જાતિની હોવાનું જાણતા હોવા છતાં તેના પ્રત્યે કથિત રીતે અશ્લીલ વર્તન અને જાતીય સતામણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. બનાવની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે આરોપી રીજવાન ઉર્ફે ચિનો ગનીભાઈ ખીરા સુમરા સામે વિવિધ ગંભીર કલમો, એટ્રોસિટી એક્ટ તેમજ ગુજરાત પોલીસ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. સમગ્ર કેસની તપાસ એસસી/એસટી સેલના નાયબ પોલીસ અધિક્ષક દ્વારા કરવામાં આવી રહી છે.
