મહાશિવરાત્રી મેળામાં ‘પ્લાસ્ટિક મુક્ત ગિરનાર’ રાખવા વન વિભાગ સતર્ક રહ્યું

રૂ. 2.94 લાખનો દંડ વસૂલાયો, 1.85 લાખ કાપડની થેલીનું વિતરણ કર્યું : અંદાજે 10 ટન જેટલો કચરો જંગલ વિસ્તારમાં ફેલાતો અટકાવ્યો

જુનાગઢમાં યોજાઈ ગયેલ મહાશિવરાત્રી મેળામાં વન્ય પ્રાણીઓ અને લોકોની સુરક્ષાની સાથે પર્યાવરણની જાળવણી માટે વનવિભાગ સતર્ક રહ્યું હતું. પ્લાસ્ટિક મુક્ત ગિરનાર’ અંતર્ગત 1.85 લાખ કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યું હતું, આ સાથે કુલ 143 આસામીઓ સામે દંડનીય કાર્યવાહી કરી, રૂ.2. 94 લાખનો દંડ વસૂલાયો હતો.
ડી.સી.એફ. અક્ષય જોશીના માર્ગદર્શન હેઠળ મેળા દરમિયાન લાખો ભાવિકો ગિરનાર પર આવે તેવી સંભાવના સાથે જંગલમાં લોકો દ્વારા પ્લાસ્ટિકનું પ્રદૂષણ ન ફેલાય તે માટે વન વિભાગે કડક ચેકિંગની સાથે લોક જાગૃતિ અભિયાન ચલાવ્યું હતું. જે માટે નવી-જૂની ગીરનારની સીડી પર 200, 500 અને 5000 પગથિયા પર સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાં કુલ 98 કર્મચારીથી વધુનો કાફલો તૈનાત કરવામાં આવ્યો હતો. આ સાથે પર્વત પર 79 કમર્ચારી, અને તળેટીમાં મોબાઈલ સ્કવોડ દ્વારા કામગીરી કરવામાં આવી હતી.
જૂનાગઢમાં તા. 11 ફેબ્રુઆરીથી તા.15 ફેબ્રુઆરી સુધી યોજાયેલા ભવનાથના મહાશિવરાત્રી મેળામાં 24 લાખથી વધુ ભાવિકો મેળો માણવા આવ્યા હતા, જેમાંથી મોટાભાગના ભાવિકો ગિરનાર પર્વત પર ગયા હતા ત્યારે યાત્રિકો પ્લાસ્ટિકની થેલીઓ જંગલમાં ન ફેંકે તે માટે વન વિભાગે નવી સીડી, જૂની સીડી અને દાતાર એમ ત્રણેય મુખ્ય રસ્તાઓ પર થઈને કુલ 1,85,000 જેટલી કાપડની થેલીઓનું નિ:શુલ્ક વિતરણ કરવામા આવી હતી જેમાં 1.55 લાખ થેલીઓ માત્ર ગિરનાર નવી સીડી ખાતે જ્યારે જૂની સીડી પર 20,000 અને દાતાર સીડી પર 10,000 થેલીઓ અપાઈ હતી.
આ સાથે મેળાના પાંચ દિવસ દરમિયાન વન વિભાગે હાથ ધરેલ ચેકિંગ દરમિયાન સૌથી વધુ પ્લાસ્ટિક કચરા તરીકે પાણીની ખાલી બોટલો, ગુટખા-મસાલાના પ્લાસ્ટિક અને નમકીનના રેપર્સ મળી આવ્યા હતા. વન વિભાગે કડક હાથે કામગીરી કરતા પ્રતિબંધિત પ્લાસ્ટિક લઈ જતા અને ગંદકી ફેલાવતા 143 લોકો સામે સ્થળ પર જ દંડનીય કાર્યવાહી કરી, રૂ. 2,94,500 ની એડવાન્સ રિકવરી વસૂલ કરવામાં આવી હતી. આ કામગીરીને પગલે આ વખતે મેળામાં ગંદકીનું પ્રમાણ નિયંત્રણમાં રહ્યું હતું.
આ ઉપરાંત વન વિભાગની ટીમો દ્વારા જંગલને સ્વચ્છ રાખવા રાત-દિવસ સફાઈ અભિયાન શરૂ કરાયું છે, અને ગિરનારની નવી સીડી આસપાસથી 6 થી 7 ટન કચરો, દાતાર સીડી પરથી 2 થી 2.5 ટન કચરો તેમજ ગિરનારની જૂની સીડીથી 1 થી 1.5 ટન કચરો મળી કુલ અંદાજે 10 ટન જેટલો કચરો જંગલ વિસ્તારમાં ફેલાતો અટકાવી એકત્રિત કરવામાં આવ્યો હતો.

રિલેટેડ ન્યૂઝ