જૂનાગઢ પી.એસ.આઈ.ના ત્રણ સંતાનો સ્પર્ધાત્મક પરીક્ષામાં અવલ્લ : તલાટી બન્યા

પરીક્ષાની તૈયારી સમયે જ માતાના નિધનના આઘાત વચ્ચે પરીક્ષામાં સફળતા હાંસિલ કરી

“મન હોય તો માળવે જવાય” અને “દ્રઢ સંકલ્પ તથા સખ્ત મહેનત કોઈપણ મુશ્કેલી વચ્ચે પણ સિદ્ધિ હાંસલ કરવાથી કોઈ રોકી શકતું નથી” તે યુક્તિને જૂનાગઢ મહાનગરના એક પોલીસ અધિકારીના 3 સંતાને સિદ્ધ કરી બતાવ્યું છે, ત્રણેય સંતાનોએ માતાના નિધનના આઘાત વચ્ચે પણ પિતાના પૂરા સાથ અને પ્રેરણા સાથે એક બીજાને હિંમત આપી, સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા હાંસિલ કરી, ત્રણેય ભાઈ – બહેનોએ મહેસુલ તલાટીની નોકરી મેળવી, પોતાના પરિવારની સાથે પોલીસ પરિવારના ગૌરવમાં વધારો કર્યો છે. જૂનાગઢ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઇ વાય.એન. સોલંકીના બે પુત્રો ગૌતમ અને ચિરાગ તથા દીકરી જાગૃતિએ ઓક્ટોબર 2025 માં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવાયેલી મહેસુલ વિભાગના નિયંત્રણ હેઠળના કલેક્ટર કચેરી હસ્તકના મહેસુલ તલાટી વર્ગ -3 ની સ્પર્ધાત્મક પરીક્ષા આપી હતી. આ પરીક્ષાનું તાજેતરમાં જાહેર થયેલ પરિણામમાં પીએસઆઇ. સોલંકીના બંને પુત્રો ગૌતમ અને ચિરાગ તથા દીકરી જાગૃતિ ત્રણેય એક સાથે અવલ્લ રહ્યા હતા. અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પ્રમાણપત્ર ચકાસણીને અંતે મહેસુલ તલાટીની જગ્યા માટે પસંદ થયા હતા. તે સાથે ઉંચા મેરીટને કારણે ત્રણેય ભાઈ – બહેનને તેમના વતન સુરેન્દ્રનગર જિલ્લામાં નિમણૂક માટે ઈચ્છા દર્શાવતા ત્રણેય ભાઈ – બહેનને સુરેન્દ્રનગર જિલ્લામાં નિમણૂક મળી છે. આ અંગે વાય.એન. સોલંકીના જણાવ્યા મુજબ, તેના ત્રણેય છોકરાવને પહેલેથી જ સરકારી નોકરી મેળવવાનો સંકલ્પ હતો. અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ કરતા હતા, તે દરમિયાન જ તેની માતાનું નિધન થતા, દીકરી જાગૃતિ પર ઘરની જવાબદારી આવી હતી, ત્યારે દીકરી જાગૃતિ એ ઘર અને પારિવારિક ફરજની સાથે બંને ભાઈને હિંમત આપતી રહી હતી, બીજી બાજુ મારે પોલીસની જવાબદારી ભરી ફરજ હોવા છતાં સંતાનોને પૂરતો સહયોગ, સાથ અને પ્રેરણા આપી રહ્યો હતો. ત્યારે ત્રણેય સંતાનો એ ખૂબ સારી તૈયારી કરીને એકી સાથે મહેસુલ તલાટીની સ્પર્ધાત્મક પરીક્ષા આપી, સફળ થયા હતા. અને બાદમાં ત્રણેયને એવી ઈચ્છા હતી કે માદરે વતનમાં જ ફરજ બજાવી છે. ત્યારે ઉંચા મેરિટને કારણે ત્રણેય ભાઈ બહેનને એકી સાથે અમારા વતન સુરેન્દ્રનગરમાં નોકરી પણ મળી ગઈ છે.

રિલેટેડ ન્યૂઝ