જૂનાગઢ જનવાણી 91.2 એફ.એમ.નો બારમા વર્ષમાં મંગલ પ્રવેશ: રાષ્ટ્રીય એવોર્ડથી સન્માન

એક પણ દિવસ વિરામ વગર વિના લોકસંસ્કૃતિ અને કૃષિ જ્ઞાનના 12,220 કલાકના કાર્યક્રમોનું પ્રસારણ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંચાલિત ’જૂનાગઢ જનવાણી 91.2 એફ.એમ.’ આજે તેની સ્થાપનાના અગિયાર વર્ષ પૂર્ણ કરીને બારમા વર્ષમાં પ્રવેશી રહ્યું છે. 24 જૂન, 2015ના રોજ શરૂ થયેલા આ કોમ્યુનિટી રેડિયોએ શરૂઆતથી આજદિન સુધી એક પણ દિવસ વિરામ લીધા વિના સતત પ્રસારણ જાળવી રાખીને અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.
સ્થાનિક ભાષા, કૃષિ જ્ઞાન અને લોકસંસ્કૃોતિના જતન માટે સમર્પિત આ કોમ્યુનિટી રેડિયો દ્વારા વર્ષ 2015થી 2019 સુધી દરરોજ બે કલાક અને ત્યારબાદ સ્થાનિક ખેડૂતો તથા શ્રોતાઓની માંગને ધ્યાનમાં રાખીને સવારે બે કલાક અને સાંજે બે કલાક એમ કુલ ચાર કલાકનું નિયમિત પ્રસારણ કરવામાં આવી રહ્યું છે.
આ સમયગાળા દરમિયાન કુલ 12,220 કલાકથી વધુ પ્રસારણ કરવામાં આવ્યું છે. જેમાં આશરે 1,700 કૃષિ વાર્તાલાપ, 1,450 જેટલા અન્ય માહિતીસભર કાર્યક્રમો, એક હજાર જેટલા સંતવાણી અને લોકગીત આધારિત કાર્યક્રમો તેમજ 900 જેટલા હિન્દી ગીતોના કાર્યક્રમો સહિત અનેક વિષયો આવરી લેવાયા છે. કૃષિ, આરોગ્ય, બાળ વિકાસ, સાહિત્ય, સ્થાનિક સંસ્કૃતિ અને સામાજિક જાગૃતિને કેન્દ્રસ્થાને રાખી જનવાણી સતત કાર્યરત છે.
અગિયાર વર્ષની અવિરત સફર પૂર્ણ કરીને બારમા વર્ષમાં પ્રવેશ કરનાર જૂનાગઢ જનવાણી 91.2 એફ.એમ. આજે સૌરાષ્ટ્રના ગ્રામ્ય સમાજ અને ખેડૂતોનો વિશ્વાસપાત્ર અવાજ બનીને લોકજાગૃતિનું અનોખું માધ્યમ સાબિત થઈ રહ્યું છે. અને જૂનાગઢ જનવાણીને તેના નોંધપાત્ર યોગદાન બદલ રાષ્ટ્રીય કક્ષાએ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ