જૂનાગઢ: નરસિંહ મહેતા સરોવરમાં પાણી ખુટી જતા અસંખ્ય માછલીઓના મોત

જળચરને બચાવવા જૈન સંઘના પ્રમુખની તંત્રને અપીલ

જૂનાગઢ શહેરની શાન અને પૌરાણિક તેમજ સાંસ્કૃતિક મહત્વ ધરાવતા ઐતિહાસિક નરસિંહ મહેતા સરોવરમાં હાલમાં એક અત્યંત ગંભીર પર્યાવરણીય કટોકટી સર્જાઈ છે. ચોમાસાની શરૂઆતમાં જ પ્રથમ રાઉન્ડમાં સારો વરસાદ નોંધાયો હોવા છતાં, યોગ્ય આયોજન અને તકનીકી સંચાલનના અભાવે નરસિંહ મહેતા સરોવરમાં નવા પાણીની આવક સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. પરિણામે, સરોવરમાં પાણીનું સ્તર ભયજનક રીતે ઘટીને તળિયા સુધી પહોંચી ગયું છે, જેના કારણે નિર્દોષ જળચર જીવો, ખાસ કરીને માછલીઓ, દરરોજ મોટી સંખ્યામાં તડપી-તડપીને મૃત્યુ પામી રહી છે.
આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સ્થાનિક પર્યાવરણપ્રેમીઓ અને સ્થાનિક જૈન સંઘના પ્રમુખ હિતેશભાઈ સંઘવી દ્વારા મ્યુનિસિપલ કોર્પોરેશન અને સંબંધિત તંત્ર સમક્ષ તાત્કાલિક ધોરણે યોગ્ય કરવા માંગ કરવામાં આવી છે.
ચોમાસાની ઋતુમાં જ્યારે રાજ્યના મોટાભાગના જળાશયો છલકાઈ રહ્યા છે, ત્યારે જૂનાગઢના નરસિંહ મહેતા સરોવરમાં સપાટી તળિયા ઝાટક થઈ જતાં તળિયું સ્પષ્ટ દેખાવા લાગ્યું છે. સરોવરમાં પાણીનું સ્તર સતત નીચે જઈ રહ્યું હોવાથી પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ ઘટી ગયું છે, જે જળચર સૃષ્ટિ માટે પ્રાણઘાતક સાબિત થઈ રહ્યું છે. આ સાથે જ, સરોવર પરિસરમાં હાલમાં જેસીબી અને અન્ય ભારે મશીનરી દ્વારા કામગીરી ચાલી રહી છે. યંત્ર સામગ્રીના અવાજ, કંપન અને સરોવરના તળિયે થતી હલચલને કારણે જળચર જીવોનું અસ્તિત્વ વધુ જોખમમાં મુકાયું છે. સરોવરની સ્થિતિ એટલી દયનીય બની છે કે દરરોજ સવારે સરોવરના કિનારે મૃત માછલીઓનો અંબાર જોવા મળી રહ્યો છે, જે દુર્ગંધ અને રોગચાળાનું કારણ પણ બની શકે છે.
આ માનવસર્જિત કે કુદરતી જળસંકટ સામે સ્થાનિક જૈન સંઘ આગળ આવ્યો છે. સ્થાનિક જૈન સંઘના પ્રમુખ હિતેશ વી. સંઘવી દ્વારા વહિવટી તંત્રને એક અત્યંત વ્યવહારુ અને સરળ ઉકેલ સૂચવવામાં આવ્યો છે. જે મુજબ તંત્ર જો કાળવાના પાટિયા માત્ર 6 ઇંચ જેટલા ખોલે, તો સરોવરમાં કાળવા નદી મારફતે ધીમી ધારે સ્વચ્છ પાણીની આવક શરૂ થઈ શકે તેમ છે. આ એક એવું પગલું છે જેનાથી ત્વરિત ધોરણે સરોવરમાં પાણીનું લેવલ ઊંચું લાવી શકાય. અને સરોવરમાં જો માત્ર 1 ફૂટ જેટલું પણ નવું પાણી ઉમેરાય, તો પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધશે. આ નાના એવા ફેરફારથી હજારો નિર્દોષ માછલીઓ અને અન્ય જળચર જીવોના જીવ બચાવી શકાશે. અને સરોવરનું સુંદરીકરણ જોખમાશે નહીં. તે સાથે નરસિંહ મહેતા સરોવરમાં પાણી છોડવાના નિર્ણયથી માત્ર માછલીઓ જ નહીં, પરંતુ સમગ્ર જૂનાગઢ શહેરને ત્રિપક્ષીય ફાયદો થઈ શકે જળચર જીવોનું રક્ષણ સરોવરમાં માત્ર 1 ફૂટ પાણી વધવાથી માછલીઓના સામૂહિક મોત અટકી જશે. ભૂગર્ભ જળસ્તરમાં સુધારો હશે અને આસપાસના બોર-કુવામાં પાણીના તળ ઊંચા આવશે આ સાથે સ્થાનિક નાગરિકો, પર્યાવરણપ્રેમીઓ અને જૈન સંઘે ભેગા મળીને વહિવટી તંત્ર સમક્ષ માંગ કરી છે કે, સરોવરમાંથી તાત્કાલિક અસરથી જેસીબી અને અન્ય ભારે યંત્રો બહાર કાઢવામાં આવે જેથી જળચર જીવોને થતી ખલેલ અટકે. આ ઉપરાંત જળચરો માટે યોગ્ય વાતાવરણ જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા સમયાંતરે પાણીની ગુણવત્તા અને સ્તરની ચકાસણી કરવામાં આવે. “પર્યાવરણ અને જળચર જીવોની રક્ષા એ આપણી નૈતિક જવાબદારી છે. જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો ઐતિહાસિક સરોવર પોતાની પ્રાકૃતિક સુંદરતા અને જીવસૃષ્ટિ ગુમાવી દે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે.

રિલેટેડ ન્યૂઝ